• ભાણવડમાં કોંગ્રેસી કાર્યકરોએ વેપારીઓને પરાણે દુકાનો બંધ કરાવી હોવાની વાત, કલ્યાણપુર અને નંદાણાએ બંધ પાળ્યું , ખંભાળીયા અને દ્વારકા તાલુકામાં બંધની કોઈ અસર નહી ધંધા રોજગાર રાબેતા મુજબ કાર્યરત, ખંભાળીયામાં ધારાસભ્ય વિક્રમ માડમ,પાલ આંબલીયા સહીત ૧૫થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ.
 

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૦૮ : દેશની રાજધાની દિલ્હીમાં કિશાન આંદોલન ૧૨ દિવસથી વેગ પકડી રહ્યું છે. નવા કૃષિ કાનુનને રદ કરવાની માંગ સાથે દેશના પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ શરુ કરેલ આંદોલનની આગ ધીરે-ધીરે અન્ય રાજ્યોમાં પ્રસરીને ત્યાના ખેડૂતો પણ દિલ્હી વિરોધ પ્રદર્શન માટે પહોંચી રહ્યા છે. અન્ય રાજ્ય માંથી દિલ્હીમાં પ્રવેશતા અનેક માર્ગો ખેડૂત સંગઠનોએ ઘેરી લીધા છે. કૃષિ કાનુન રદ કરવાની માંગ સંદર્ભે ખેડૂત સંગઠનોએ ત્રણથી વધારે વખત સરકાર સાથે વાટાઘાટો કરવા છતાં પણ કોઈ સમાધાન કારી રસ્તો ના નીકળતા ખેડૂત સંગઠનોએ તા.૦૮મી ડીસેમ્બરએ ભારત બંધનું એલાન આપ્યું હતું.

 

ભારત બંધના એલાનને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મિશ્રપ્રતિસાદ મળ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ કાર્યરત હતો તેમજ ભાણવડ ગામની ૮૦ - ૯૦ % દુકાનો બપોર સુધી બંધ રહી હતી તેમાંની મોટા ભાગના વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરોએ પરાણે બંધ કરાવી હોવાનું વેપારી ગૃપોએ જણાવ્યું હતું. બપોરબાદ ભાણવડમાં મિશ્ર અસર જોવા મળી રહી હતી. ખંભાળીયા તાલુકામાં બંધને સમર્થન મળ્યું ના હતું ધારાસભ્ય વિક્રમ માડમ,ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા સહિતના ૧૫ થી વધુ કોંગ્રેસી કાર્યકરોની માર્કેટિંગ યાર્ડ ખાતેથી અટકાયત કરીને આરાધના ધામ પોલીસ ટ્રેનીંગ ખાતે લઇ જવાયા હતા દ્વારકા તાલુકામાં ધંધા રોજગાર રાબેતા મુજબ કાર્યરત રહ્યા હતા. કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર અને નંદાણા ગામને બાદ કરતા બાકીના વિસ્તારમાં બંધની ખાસ અસર જોવા મળી ના હતી.

 

ખેડૂતોને સિંચાઈની સૌથી મોટી સુવિધા ભાજપ સરકારે આપી છે. તળાવો મારફત ખેડૂતોના ખેતરે - ખેતરે પાણી પહોચાડાઈ તેવી કેનાલો બનાવી છે.નવું કૃષિ બીલ આવ્યું છે તે ખેડૂત હિતમાં છે. કોંગ્રેસના ભ્રામક પ્રસાર અને પ્રચાર ખેડૂતો આવ્યા નથી દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બંધનું એલાન સદંતર નિષ્ફળ નીવડ્યું છે. - મુળુભાઈ બેરા, ચેરમેન - ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ,ગાંધીનગર

 

કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજા અને ખેડૂતોના હિત માટે સતત કામ કરી રહી છે. કોંગ્રેસએ કયારેય ખેડૂતોના હિતમાં કામ કર્યા નથી.સતત વિરોધ અને વિવાદની રાજનીતિ કરી રહી છે ખેડૂતો અને લોકોને ભરમાવીને વિરોધ કરાવી રહી છે. - ખીમભાઇ જોગલ, દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ

 

હાલની કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી કાળો કાયદો લાવી છે તે તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ. ખેડૂતો સાથે સહાનુભુતિ દર્શાવી તેમની સાથે ચર્ચા - વિમર્સ કરીને તેમના હિતમાં હોય તેવા કાયદા લાવવા જોઈએ - યાસીનભાઈ ગજણ, દેવભૂમિ દ્વારકા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ

 

જીલ્લાના ખંભાળીયામાં ધારાસભ્ય વિક્રમભાઈ,પાલ આંબલીયા સહીત ૧૫-૨૦ કોંગ્રેસી આગેવાનો વિરોધ પ્રદર્શન માટે એકત્રિત થતા તેઓ વિરોધ કરે તે પહેલા અટકાયત કરાઈ હતી. તે સિવાય જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા  સ્ટેન્ડ બાય હતું કોઈ વિવાદ સર્જાયો ના હતો. - હીરેન્દ્ર ચૌધરી, મદદનીશ જીલ્લા પોલીસ વડા દેવભૂમિ દ્વારકા