• ૧૮ મહિનાથી વેતન નહીં મળતા બંને જિલ્લાના ૧૬ ઓપરેટરો હડતાલ પર ઉતરતાં ઇમર્જન્સી સહિતની માં કાર્ડની કામગીરી ઠપ્પ

 જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૫, જામનગર જિલ્લા મહાનગરપાલિકામાં તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લા માં મુખ્યમંત્રી અમૃતમ યોજના ના કાર્ડ કાઢવા માટેની કામગીરી સંભાળનારા ૧૬ ઓપરેટર દ્વારા પોતાની વેતનની માંગણીને લઇને આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઇમર્જન્સી માં કાર્ડ કઢાવવા સહિતની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.
 જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા મા અમૃતમ કાર્ડ ના ૬ ઓપરેટરો જ્યારે જામનગર શહેરના ત્રણ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત કે જેઓને ચાર મહિનાથી વેતન મળતું નથી ઉપરાંત મહાનગરપાલિકાના ઓપરેટરને તો ૧૮ મહિનાથી માસિક મહેનતાણું ગુજરાત ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી મળ્યું નથી.
 જેને લઇને તમામ ઓપરેટરોએ આજથી ચોક્કસ મુદત માટે કામગીરી બંધ કરી દીધી છે.
 જામનગર જિલ્લાના માં યોજનાના સુપરવાઇઝર સાગર ડાંગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપરવાઇઝર ધર્મેશ વરુની રાહબરી હેઠળ તમામ ૧૬ ઓપરેટરોએ આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. જેથી માં અમૃતમ કાર્ડ કઢાવનારા લોકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
એટલું જ માત્ર નહીં હોસ્પિટલ ની ઇમર્જન્સી માં કાર્ડ ની કામગીરી બન્ને જિલ્લાની ઠપ્પ થઈ જતાં દર્દીઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે.
 હાલના સમયમાં કોમ્પ્યુટર ઓપરેટર ને છ હજાર રૂપિયા નું માસિક વેતન ગુજરાત ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપવામાં આવે છે જેની અંદર ઇન્ટરનેટ નું રિચાર્જ પણ ઓપરેટરોએ જાતે કરવું પડે છે, અને વેતન ખૂબ ઓછું છે. કેટલાક ઓપરેટરો અપડાઉન કરે છે જેઓને પંદરસો રૂપિયા જેટલો માસિક ખર્ચો પણ થઇ જાય છે. જ્યારે ઓપરેટરોની સાધનસામગ્રી વારેવારે ખરાબ થઇ જતી હોવાથી કામગીરી અટકે છે, અને લોકોને પણ સમયસર કાર્ડ કાઢી આપવામાં વિલંબ થતો હોવાથી ઝઘડા થાય છે.
 સમગ્ર મામલા થી કંટાળી ને આખરે આજે બંને જિલ્લાના તમામ ૧૬ ઓપરેટરોએ અચોક્કસ મુદત ની હડતાલનું એલાન કર્યું છે. તેથી બંને જિલ્લાઓ ની કામગીરી આજથી ઠપ્પ થઈ ગઈ છે.