• જામનગરમાં ખોડીયાર કોલોની અને એસટી ડેપો રોડની બે હોટલોમાં રાતવાસો કર્યાની કબૂલાત

જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૮ જામનગર માં ઇવા પાર્ક વિસ્તારમાં એક મહિના પહેલા એક બિલ્ડર પર ફાયરિંગ કરી

 હત્યાનો પ્રયાસ કરવાના ચકચારી પ્રકરણમાં જામનગરની લોકલ ક્રાઇમ બ્રાંચે તપાસનો દોર ઉત્તર પ્રદેશ સુધી લંબાવી એક શાર્પ શૂટર ને પકડી પાડયો હતો, અને જામનગર લઈ આવ્યા પછી રિમાન્ડ પર લીધો હતો. જેની રિમાન્ડની મુદત પુરી થતા જેલમાં ધકેલી દેવાયો છે.

 જામનગરના ઇવા વિસ્તારમાં બિલ્ડર જયસુખ ઉર્ફે ટીનો પેઢડીયા પર ફાયરિંગ કરી ખુનની કોશિષ કરવા અંગે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરિતો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં ફાયરિંગ કરવા માટે આવેલા ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની શાર્પ શૂટર પંકજકુમાર રામનારાયણ ને એલસીબીની ટીમે આજમગઢ થી પકડી લાવી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધો હતો.

 જેથી સીટી એ ડિવિઝન પોલીસે તેને પાંચ દિવસની રિમાન્ડની માગણી સાથે જામનગર ની અદાલત સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં અદાલતે એક દિવસના પોલીસ રિમાન્ડ માંગણી મંજુર કરી હતી. જે રિમાન્ડની મુદત પુરી થતા તેને જેલમાં ધકેલી દેવાયો છે.

 પોલીસ પૂછપરછ દરમિયાન પોતે યુપીના અન્ય એક શાર્પ શૂટર મુન્ની રામ સાથે જામનગર આવ્યો હોવાનું અને જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં અને એસટી ડેપો રોડ પર આવેલી જુદી જુદી બે હોટલોમાં ઉતર્યા હોવાનું કબૂલ્યું હતું. અને બનાવના સ્થળની રેકી કરી હતી. પરંતુ ફાયરિંગ કરવામાં સફળ થયા ન હોવાથી પોતાના વતનમાંપરત ફર્યા હતા. જેમાં મુન્નીરામ પાસે હથિયાર હોવાનું જણાવ્યું હતું. પોલીસ આ પ્રકરણમાં મુન્નીરામની શોધખોળ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રકરણના કુલ ધરપકડનો આંક ૯ નો થયો છે. હજુ પાંચ આરોપીઓને પોલીસ શોધી રહી છે.