• જુદા-જુદા વિસ્તારમાં મોડી રાત્રે સાઉન્ડ નો ધમધમાટ કરનાર ૬ ડીજે ઓપરેટર ની અટકાયત; સાઉન્ડ સિસ્ટમ કબજે

 જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૬, જામનગરમાં ભીમવાસ વિસ્તાર તેમજ નવાગામ ઘેડ અને જોડિયા ભૂંગા સહિતના વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે ૧ વાગ્યા પછી લગ્ન પ્રસંગ ના દાંડિયારાસમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખનાર ૬ ડીજે ઓપરેટરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ સામે જાહેરનામાનો ભંગ અંગે ગુના નોંધી તેઓની સાઉન્ડ સિસ્ટમ સહિતની સામગ્રી કબજે કરવામાં આવી છે. જેને લઇને લગ્ન સમારંભના આયોજકોમાં ભારે દોડધામ થઇ હતી.
 પોલીસના આ સામુહિક દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં ભીમવાસ શેરી નંબર -૧ માં એક લગ્ન પ્રસંગ નો ડાંડિયારાસ ચાલી રહ્યો હતો, અને રાત્રીના એક વાગ્યાને પંદર મિનિટે ડીજેના ધમધમતા સાઉન્ડ પર ડાંડિયારાસ નો કાર્યક્રમ ચાલતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવતાં સીટી બી ડિવિઝનના મહિલા પી.એસ.આઇ એસ.વી. સામાણી અને તેમની ટીમે દરોડો પાડી મોડી રાત્રી સુધી સાઉન્ડ ચાલુ રાખી ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરનારા ડીજે ઓપરેટર મુકેશ વિનુભાઈ સોલંકી ની અટકાયત કરી લીધી હતી.
 જેની સામે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલનો ગુનો નોંધ્યો હતો. પોલીસે તેની ડીજે સિસ્ટમ સામગ્રી પણ કબજે કરી છે.
 આ ઉપરાંત ભીમવાસ શેરી નંબર ૧ માં જ રાત્રિના સવા બે વાગ્યે અન્ય એક ડીજે ઓપરેટર મુકેશ રામજીભાઈ ચૌહાણ દ્વારા લગ્ન પ્રસંગ ના ડાંડિયારાસ ને અનુરૂપ સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખવામાં આવી હતી. જે અંગે પણ પોલીસને ધ્યાનમાં આવતા બીજો દરોડો પાડવામાં આવ્યો હતો, અને ડીજે ઓપરેટર મુકેશ ચૌહાણ ની અટકાયત કરી લઇ તેની સામે ગુનો નોંધ્યો છે. અને તેની પણ સાઉન્ડ સિસ્ટમ વગેરે કબજે કરી લીધા છે. પોલીસની મોડી રાત્રે ની આ કાર્યવાહીને લઇને લગ્ન સમારંભોના આયોજકોમાં ભારે દોડધામ મચી ગઇ છે.
જામનગર નવાગામ ઘેડ વિસ્તાર માંથી રાત્રિના બે વાગ્યે સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખવા અંગે રોહિત કાનજીભાઇ મકવાણા અને રમેશ હમીરભાઇ મકવાણા નામના બે ડીજે ઓપરેટરોને પકડી પાડવામાં આવ્યા છે, અને તેઓ બંને સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામાના ભંગનો ગુનો નોંધી સાઉન્ડ સિસ્ટમ વગેરે કબજે કર્યા છે.
 સાઉન્ડ સિસ્ટમ અંગે નો ચોથો દરોડો જોડિયા ભૂંગા વિસ્તારમાં પાડયો હતો જ્યાં મોડી રાત્રે સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખનાર અલ્તાફ મામદભાઇ રાજાણી નામના ડીજે ઓપરેટર ની અટકાયત કરી લઇ તેની પણ સામગ્રી કબજે કરવામાં આવી છે. જ્યારે હનુમાન ટેકરી વિસ્તારમાં પણ મોડી રાત્રે સુધી ડીજે સિસ્ટમ ચાલુ રાખનાર સંજય શિવલાલભાઈ સિંધવ ની પોલીસ દ્વારા અટકાયત કરી લઇ તેની સામે પણ ગુનો નથી સાઉન્ડ સિસ્ટમ કબજે લેવાઈ છે. એક દિવસમાં એકી સાથે પાંચ સ્થળે દરોડા પાડવા થી લગ્ન સમારંભોના આયોજકો ભારે દોડધામ કરી રહ્યા છે.