જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કારની અડફેટે બે વર્ષની માસૂમ બાળકી કચડાઈ: ધ્રોલ નજીક સગાડીયા ગામ પાસે બોલેરો અને બાઈક વચ્ચે ની ટક્કર માં પરપ્રાંતીય શ્રમિક યુવાનનો ભોગ

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેર અને ધ્રોલમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જુદા-જુદા બે વાહન અકસ્માતમાં એક બાળકી સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. જામનગર ના ગોકુલ નગર વિસ્તારમાં ઘર પાસે રમી રહેલી બે વર્ષની માસૂમ બાળકીને એક કારના ચાલકે કચડી નાખતાં કરૂણ મૃત્યુ નિપજયુ છે. આ ઉપરાંત ધ્રોલ નજીક સગાડીયા ગામ પાસે બોલેરો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇકચાલક યુવાનનું કરણ મૃત્યુ નિપજયું છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર વૃંદાવન સોસાયટી શેરી નંબર છ માં રહેતા હંસરાજભાઈ દિનેશભાઈ મકવાણા ની બે વર્ષની માસૂમ બાળકી સાક્ષી કે જે પોતાના ઘર પાસે ગઈકાલે રમી રહી હતી, તે દરમિયાન સિલ્વર કલરની જીજે-૧૦ ટી.વી. ૫૨૧૩ નંબરની કારના ચાલકે પૂરપાટ વેગે આવી બાળકીને હડફેટમાં લઇ લેતાં માથાના ભાગે તેમજ કાનના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હોવાથી તેણીનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

 આ અકસ્માતના બનાવ પછી કાર ચાલક પોતાની કાર છોડીને ભાગી છૂટ્યો હતો. જે અકસ્માતના બનાવ અંગે મૃતક સાક્ષી ની માતા વંદનાબેન હંસરાજભાઈ મકવાણા એ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં કારના ચાલક ગૌતમ વિનુભાઈ રાજ્યગુરુ સામે પોતાની કાર બે કાળજીપૂર્વક ચલાવી પુત્રી સાક્ષીને હડફેટમાં લઇ મૃત્યુ નિપજાવવા અંગેની ફરિયાદ નોંધાવતા સીટી-સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 અકસ્માતનો બીજો બનાવ ધ્રોલ તાલુકાના વાગુદડ અને સગાડીયા ગામ વચ્ચે બન્યો હતો. ત્યાંથી પૂરપાટ વેગે આવી રહેલી જી. જે.-૩ બી.ટી.૯૫૬૯ નંબરની બોલેરો કારના ચાલકે સામેથી આવી રહેલા જી. જે.-૩ બી.સી. ૫૯૪૦ નંબરના બાઈકને ટક્કર મારી દેતાં બાઇકના ચાલક મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર ના વતની અને હાલ વાગુદડ ગામની સીમમાં રમેશભાઈ પનારા ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરતા રાજુ હરસિંગભાઈ મહેડા (ઉ.વ.૩૦) ને હડફેટમાં લઈ લેતાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું.

 આ અકસ્માતના બનાવ અંગે પોલીસને જાણ કરાતા ધ્રોલ પોલીસની ટીમે બોલેરો ના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.