જામનગર તા. ૨, જામનગર રાજકોટ હાઈવે રોડ પર શેખપાટ ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક અને તેના માતા બંનેને ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દરબારગઢ ગોલારાણા ના ડેલા ની બાજુમાં રહેતા અને વેપાર કરતા ઓસ્માણભાઈ  મજીદભાઈ મેમણ (ઉંમર વર્ષ ૪૩) ગત ૧૬ તારીખે પોતાનું મોટરસાયકલ લઈને જામનગર-રાજકોટ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા જે બાઈકમાં પોતાના માતા જુબેદા બેન (ઉમર વર્ષ ૬૫)  ને પાછળ બેસાડીને જઈ રહ્યા હતા. જે દરમિયાન શેખપાટ ગામના પાટિયા પાસે પૂરપાટ વેગે આવી રહેલી એમ.એચ.-૪૬ એ.એકક્ષ.  ૦૫૦૮ નંબરની કારના ચાલકે બાઈકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.

 જે અકસ્માતમાં ઓસ્માણભાઈ ને  ફેક્ચર સહિતની અને હેમરેજ સહિતની ઈજાઓ થઈ હતી. જ્યારે તેમના માતા જુબેદા બેનને પણ માથાના ભાગે હેમરેજ સહિતની ઇજા થઇ હતી, અને બન્નેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવ અંગે ઓસ્માણભાઈ મેમણે કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પંચકોશી એ ડીવીઝન પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.