•  સાસુએ મજૂરી કામ કરવા જવા બાબતે મેણાં મારતાં ભરેલું અંતિમ પગલું


જામનગર તા ૮, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માછરડા ગામમાં રહેતી એક પરણિત યુવતી એ ગઈકાલે પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. સાસુએ મજૂરી કામ બાબતે મેણા ટોણા મારતા માઠું લાગવાથી આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે કાલાવડ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના માછરડા ગામમાં રહેતી વર્ષાબેન મનસુખભાઈ બાબરીયા નામની ૨૯ વર્ષની યુવતીએ ગઈ કાલે સવારે પોતે એકલી હોવાથી ઘરના દરવાજા અંદરથી બંધ કરી દઈ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

 મૃતકના પરિવારજનો ઘેર આવ્યા ત્યારે દરવાજો અંદર થી બંધ હોવાથી દરવાજાનો લોક તોડી નિરીક્ષણ કર્યું હતું. જે દરમિયાન વર્ષાબેન મૃતદેહ પંખામાં લટકતો જોવા મળ્યો હતો.

 જેથી આ મામલે પોલીસને જાણ કરાતાં કાલાવડ ટાઉન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વર્ષાબેન ના પતિ મનસુખભાઈ બાબરીયા નું નિવેદન નોંધ્યું હતું. તેમાં જણાવાયા અનુસાર મનસુખભાઈ અને વર્ષા બેન ના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા, અને પતિ સાસુ અને સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. આસપાસની અનેક મહિલાઓ મજુરી કામે જતી હતી, પરંતુ વર્ષાબેન મજૂરી કામ કરતી ન હોવાથી સાસુએ તેને મેણાં ટોણાં મારી અને મજૂરી કામે જવા દબાણ કર્યુ હતું.

 જેથી વર્ષાબેન ને લાગી આવતા આ પગલું ભરી લીધાનું જણાવાયું છે જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.