• બપોર દરમિયાન કાળઝાળ ગરમીને કારણે જનજીવન પર વ્યાપક અસર: પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે ગરમ લુ ફેંકાઈ

જામનગર તા ૨૬, જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. ગઈકાલે બપોરે ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી જતાં આકાશમાંથી અગ્નિ વર્ષા થઇ હતી. સાથોસાથ પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપ સાથે ના પવનના કારણે ગરમ લૂ ફેંકાઈ હતી. બળબળતા તાપને લઈને બપોર દરમિયાન જનજીવન પર અસર જોવા મળી છે.


 જામનગર શહેર અને જિલ્લામાં ફરીથી ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. અને ગરમીનો પારો ધીમે ધીમે ઉપર ચડી ને ૪૦ ડિગ્રી ને પણ પાર કરી જતાં બપોર દરમિયાન આકાશમાંથી અગ્નિ વર્ષા થઈ રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે હજુ પણ ઝાકળ ભીની સવાર જોવા મળી રહે છે, જ્યારે બપોરે આકરો તાપ વરસી રહ્યો છે.

 છેલ્લા ત્રણ દિવસથી ૩૫ થી ૩૭ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું. જેમાં એકાએક ઉછાળો આવ્યો છે, અને ગરમીનો પારો ઉપર ચડીને ૪૦.૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

 જેથી આકાશમાંથી ભારે લૂ વરસી રહી છે. સાથોસાથ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયેલો જોવા મળે છે. બપોર દરમિયાન ઉનાળાના આકરા મિજાજને લઇને જનજીવન પર અસર જોવા મળી હતી, અને મુખ્ય માર્ગો પર લોકોને ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૨૬.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૪૦.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહ્યું હતું. જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે રહી હતી.