જામનગર તા ૨૭, જામનગર ની સરકારી હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં સૌરાષ્ટ્ર ભરમાંથી કોરોના ના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, અને હોસ્પિટલ સંપૂર્ણપણે ફુલ થયેલી જ રહે છે. આવા સંજોગોમાં કોઈ અકસ્માતનો બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ જામનગર મહાનગરપાલિકા ના ફાયરબ્રિગેડ વિભાગ ફાયર ફાઈટરની સાથે શાખાની ટુકડી ને રાઉન્ડ ધ ક્લોક ફરજ માટે તૈનાત મુકવામાં આવ્યા છે.

 જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોઈ બિલ્ડિંગમાં ફાયર પ્રણાલી લગાવેલી છે. જે તમામ હયાત પ્રણાલી રાબેતા મુજબ કામ કરી રહી છે કે નહીં? તેની સમયાંતરે ચકાસણી કરવા માટે ફાયરવિભાગની ટુકડીને જીજી હોસ્પિટલના પરિસરમાં જ તૈનાત રાખવામાં આવી છે.

 આ ઉપરાંત ફાયર ફાઈટર ને પણ કોઈ બિલિંગ પરિસરમાં પાર્ક કરીને રાખવામાં આવ્યું છે. જેના ઉપર ફાયરના જવાનોની ટુકડી આઠ કલાકની ત્રણ સીફટ માં ડ્યુટી રાખવામાં આવી છે. જે ફાયરના જવાનો દ્વારા જી.જી.હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગમાં ફાયર પ્રણાલીનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને ફાયર ફાઈટર સહિતની તમામ સુવિધાઓને સજ્જ બનાવીને રાઉન્ડ ધ ક્લોક ફાયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જીજી હોસ્પિટલ ના કોવિડ પરિસરમાં મહિનામાં એક વખત અથવા બે વખત ફાયર અંગેની મોકડ્રીલ ની કવાયત પણ હાથ ધરી લેવાય છે. કોઈ આગજનીની ઘટના ઉદ્ભવે તો તુરત તેના પર કાબુ કરી શકાય તેના ભાગરૂપે સમગ્ર વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે.