•  બે ટ્રક વચ્ચે ટક્કર એવી જોરદાર હતી કે મૃતદેહને જે.સી.બી.ની મદદથી બહાર કાઢવો પડ્યો

 જામનગર તા ૮, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામના પાટિયા પાસે ગઈકાલે રાત્રે ૨ આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રકના ચાલકનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ક્લીનર ઇજાગ્રસ્ત બન્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહને બહાર કાઢવા માટે જે.સી.બી. ની મદદ લેવી પડી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા ગામના પાટિયા પાસે ગઇકાલે મોડી રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં ૨ મીની આઈસર ટ્રક સામસામા અથડાઇ પડયા હતા. જે અકસ્માતમાં જામનગર તરફ થી ભાટીયા જઈ રહેલા આઇસર ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાજુમાં બેઠેલા ક્લીનરને પણ ઇજા થઇ હતી.

 અકસ્માત એટલો ભયંકર હતો કે બંને ટ્રકો એ બીજાની બોડી માં ઘુસી ગયા હતા, અને મૃતદેહ તેમાં ફસાઇ ગયો હતો. મેઘપરનો પોલીસ કાફલો અને જામનગરની ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને જે.સી.બી. ની મદદથી ટ્રકની બોડી ને ખેંચીને ખોલવામાં આવી હતી, અને તેમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢવો પડ્યો હતો.

 ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને ઈજાગ્રસ્ત કલિનરને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો છે. મરનાર ટ્રક ચાલક મૂળ ઝારખંડના વતની છે, અને હાલ અમદાવાદમાં નરોડા માં રહીને ટ્રક ચલાવી રહ્યો છે. જે પોતાના આઈસર ટ્રક માં રોડ બનાવવા માટેનું મશીન ભરીને અમદાવાદ થી જામનગર તરફ આવી ભાટિયા જઈ રહ્યો હતો. જે દરમિયાન પડાણા પાસે આ ગમખ્વાર અકસ્માત નડયો હતો. 

મૃતકનાં પુત્ર ઉત્તરાખંડમાં આર્મીમાં ફરજ બજાવે છે. જેને બનાવની જાણ કરવાથી તે જામનગર આવી રહ્યો છે. જે આવ્યા પછી મૃતદેહનો કબજો તેને સોંપી દેવાશે. સમગ્ર મામલે મેઘપર પોલીસ વધુ તપાસ ચલાવે છે.