• શહેરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિર સહિતના અનેક હનુમાન મંદિરોમાં માત્ર પૂજારી અને પરિવાર દ્વારા છે આરતી કરાઈ
  • બાલા હનુમાન મંદિરમાં માત્ર પાંચ ભક્તો દ્વારા અવિરત રામ ધુન ચાલુ રખાઇ: મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ


 જામનગર તા ૨૭, છોટી કાશી નું બિરુદ પામેલા જામનગર શહેરમાં હનુમાનજીના અનેક નાના મોટા મંદિરો અને ડેરીઓ વગેરે આવેલી છે. જે તમામ ધાર્મિક સ્થળોએ આજે હનુમાન જયંતિની ઉજવણી ખૂબ જ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી. કોરોના ની ગાઇડ લાઇનને અનુસરીને મોટા ભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રખાયા છે. અને માત્ર પૂજારીના પરિવાર દ્વારા આરતી સહિતના કાર્યક્રમો પૂર્ણ કરી લેવાયા છે.

 જામનગરના સુપ્રસિધ્ધ બાલા હનુમાનજી મંદિર ને કોરોનાની મહામારી ને લઈને ટ્રસ્ટી ગણ દ્વારા દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે હનુમાન જયંતિની ઉજવણી નિમિત્તે માત્ર પુજારી અને તેમના પરિવાર દ્વારા મહાઆરતી કરી લેવામાં આવી હતી. જ્યારે દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ અપાયો ન હતો. ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલી અખંડ રામધૂન ના જાપ જોકે અવીરત ચાલુ રાખવામાં આવ્યા છે, અને ૫ રામ ભક્તો દ્વારા અખંડ રામધૂન ના જાપ ચાલુ રાખવામાં આવ્યા છે.

 આ ઉપરાંત જામનગર શહેરમાં અનેક નાના-મોટા હનુમાનજીના મંદિરો આવેલા છે જે તમામ મંદિરોમાં પણ દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો ન હતો. અન્યથા અમુક મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને અને માસ્ક પહેરીને દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જોકે મોટા ભાગના મંદિરોમાં ધુન, ભજન, મહાપ્રસાદ, બટુક ભોજન સહિતના અન્ય તમામ ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.

 પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રી રામદૂત હનુમાનજી મંદિરમાં પણ પ્રતીકરૂપે અન્નકોટ દર્શન રાખવામાં આવ્યા હતા, અને મર્યાદિત સંખ્યામાં ભક્તજનોને પ્રવેશ આપી મહા આરતી સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.