• મોખાણા - ભરતપુરથી 1 - 1.5 કિમિ દૂર ભાણવડનો સૌથી મોટો ડેમ વર્તુ - 2 ડેમ પાણીથી હિલોળી રહ્યો છે પણ બાજુ માં જ આ વિસ્તાર પાણી વાંકે ટળવળી રહ્યો છે.

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.02 : દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જીલ્લાની સરહદે દ્વારકાનાં ભાણવડ તાલુકાનાં ભેનકવડ, આંબલીયારા અને રાણપરડાનાં જમીની વિસ્તારમાં આવેલ વર્તુ - 2 ડેમ ભાણવડનો સૌથી મોટો ડેમ છે. આ ડેમમાં 33 જેટલાં દરવાજા આવેલ છે.

ભાણવડ તાલુકાના ભેનકવડ, આંબલીયારા, રાણપરડા, રૂપામોરા, રોજીવાડા,સાજડયારી, ઝારેરા જયારે પોરબંદરનાં ઈશ્વરીયા, ભોમિયાવદર, રાણા રોજીવાડા જેવા 14 થી વધારે ગામોના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ મારફત પાણી પુરૂ પાડે છે. વરસાદ સારો થાય તે વર્ષે શિયાળુ અને ઉનાળુ બંને પાક માટે પાણી અપાઈ અને નબળા વર્ષમાં ડેમમાં પાણી ઓછું હોય તો પણ શિયાળુ એક પાક પૂરતું તો મળી જ રહે છે.

હવે વાત કરીએ વર્તુ - 2 ડેમના દક્ષિણ બાજુની સરહદે ડેમની બાજુમાં જ 1.5 કિમિ અંતરે આવેલા બે ગામ ભરતપુર અને મોખાણા, વર્તુ -2 ડેમના દક્ષિણ બાજુએ ભાણવડ - પોરબંદર રોડથી દક્ષિણ બાજુએથી લઈને મોખાણાનાં કાપડિયા વોકળા વચ્ચેના આશરે એક હજાર વીઘા જેટલો આ જમીની વિસ્તારમાં પાણીની ખુબ તંગી હોય છે. નબળા વર્ષે શિયાળુ પાક પણ આ વિસ્તાર લઇ નથી શકતો અને ક્યારેક તો સ્થિતિ એવી થાય કે પીવા પૂરતું પાણી પણ કુવાઓમાં રહી શકતું નથી. આ જમીન એટલે મોખાણાનાં કાપડિયા વોકળાથી લઈને ભાણવડ - પોરબંદર રોડ વચ્ચે આવેલ ભરતપૂર અને મોખાણા ગામનો જમીની વિસ્તાર જે પાણીની સતત તંગી ઉણપ અનુભવી રહ્યો છે.

આ વિસ્તારથી 1 - 1.5 કિમિ દૂર ભાણવડનો સૌથી મોટો ડેમ વર્તુ - 2 ડેમ પાણીથી હિલોળી રહ્યો છે પણ બાજુ માં જ આ વિસ્તાર પાણી વાંકે ટળવળી રહ્યો છે. આ વિસ્તાર ડેમથી ઉચ્ચાણ વાળો ભાગ હોવાથી સીધી કેનાલથી પાણી આવી નાં શકે પણ ધક્કા કેનાલ અથવા મોખાણા વોકળામાં રિવર્સ પાણી છોડવામાં આવે તો આ વિસ્તારનાં ખેડૂતો પણ ત્રણેય મોસમનો પાક લઇ શકે તેમ છે. મોખાણા અને ભરતપુર ગામના આ ખેડૂતો માત્ર ખેતીવાડી અને પશુપાલનથી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે ત્યારે આ ખેડૂતોને જો પિયતનાં પાણીની સુવિધા મળે તો તેઓની પણ ઉન્નતિ થઇ શકે તેમાં બે મત નથી.