શહેરના ડીકેવી રોડ સહિતના માર્ગે ૧૮ જેટલા જાહેરાતના બોર્ડ ગડર સહિત દૂર કરવા માટેની કાર્યવાહી

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરમાં વાવાઝોડાની સારી એવી ઇફેક્ટ જોવા મળી છે અને ત્રણ દિવસ દરમિયાન ૨૭થી વધુ ઝાડ જમીનદોસ્ત થઈ ગયા હોવાના અહેવાલો મળ્યા છે. 

છેલ્લા ૩ દિવસથી ભારે પવનના કારણે અનેક સ્થળે ઝાડ પડી ગયાના અહેવાલો પછી મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી જુદા જુદા વિસ્તારોમાં દોડતી થઈ છે, અને માર્ગ પર પડેલા ઝાડની ડાળીઓ વગેરેને દૂર કરવા માટેની કવાયત હાથ ધરી છે. સોમવારે બપોર પછીથી ગઈકાલે સવાર સુધીમાં વિકાસગ્રહ રોડ, એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, દિગવિજય પ્લોટ સહિતના વિસ્તારમાં વધુ ચાર સ્થળે ઝાડ પડી ગયા હોવાના અહેવાલો મળ્યા હતા, અને મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમે તમામ સ્થળો પર જઈને ઝાડની ડાળીઓ વગેરેને દૂર કરાવી હતી.

વિકાસગૃહ રોડ પાસે મોટું વૃક્ષ જમીન દોસ્ત થઈ જતાં વાહન વ્યવહાર અવરોધાયો હતો, જે રસ્તો ખુલ્લો કરવા માટે તંત્રને ભારે જહેમત લેવી પડી હતી.

એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં પણ એક ઝાડ પડી ગયું હોવાના કારણે એક રહેવાસીના મકાનની દિવાલ ધશી પડી હતી. સદભાગ્યે જાનહાની થઈ નહતી. બે વાહનો ઝાડ નીચે દબાયા ના અહેવાલો મળ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાંથી જાહેરાતના બોર્ડ વગેરે હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે શહેરના ડીકેવી કોલેજ સહિતના માર્ગે ખાનગી કંપની દ્વારા ઉભા કરાયેલા જાહેરાતના બોર્ડ કે જે લોખંડના ગર્ડર સાથે ફીટ કરવામાં આવ્યા છે, તેવા ૧૮ જાહેરાતના બોર્ડને જમીનમાંથી બહાર કાઢીને દૂર કરવામાં આવી રહ્યા છે.










.