પોતાની જ સોસાયટીના બંધ રહેણાંક મકાનના બાથરૂમમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર જિલ્લાના લાલપુરમાં સામા કાંઠે ગોકુલધામ સોસાયટીમાં રહેતો ૨૦ વર્ષનો એક યુવાન પોતાના ઘેર થી એકાએક લાપત્તા બન્યા પછી તે જ સોસાયટીના એક બંધ રહેણાંક મકાનના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે, અને તેણે ગળાફાંસ દ્વારા આપઘાત કરી લીધો હોવાનું સામે આવતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુરમાં સામા કાંઠે ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રણમલભાઈ વરાણીયાનો પુત્ર અજય રાજેશભાઈ વરાણીયા (ઉ.વ. ૨૦) કે જે ગત ૩૧.૫.૨૦૨૩ના દિવસે પોતાના ઘેરથી એકાએક લાપત્તા બન્યો હતો. જેની સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ વગેરેમાં શોધખોળ કરી લેવામાં આવી હતી.

પરંતુ તેનો કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે આજથી બે દિવસ પહેલાં ગુમ થનારના પિતા રાજેશભાઈ વરાણીયા દ્વારા લાલપુર પોલીસમાં પોતાનો પુત્ર અજય લાપતા બની ગયો હોવાની ગુમ નોંધ કરાવી હતી, અને લાલપુર પોલીસ તેને શોધી રહી હતી.

દરમિયાન ગઈકાલે તેનો મૃતદેહ ગોકુલધામ સોસાયટીમાં એક બંધ મકાનના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. જયાં તેણે કોઈપણ સંજોગોમાં ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લીધો હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જે બનાવા અંગે પોલીસને જાણ કરાતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.પી. વસરા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.