પ્રતિકાત્મક તસ્વીર 


  • સ્થાનિક વિસ્તારના ભાજપ ના બે કોર્પોરેટર ને છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપતાં મામલો બિચક્યો
  • ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી ગયા પછી ઘોડા ગાડી વાળા અને તેના સાગરિતો સહિત સાત શખ્સો સામે ગુનો નોંધાયો: આરોપીઓની શોધખોળ

 જામનગર ૪, જામનગરમાં રણજીતનગર પટેલ સમાજ ચોક વિસ્તારમાં ભાજપના બે કોર્પોરેટર સહિતના પટેલ જ્ઞાતિના અગ્રણીઓ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા મામલે ચર્ચા કરી રહયા હતા.જે દરમિયાન પૂરપાટ ગતિએ આવેલા એ ઘોડાગાડી વાળા એ તેઓ સાથે રકઝક કર્યા પછી પોતાના અન્ય સાગરિતો ને બોલાવી લીધા હતા, અને કોર્પોરેટરોને છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી હતી. આખરે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જતાં તમામ શખ્સો ભાગી છૂટયા હતા. પોલીસે ઘોડા ગાડી વાળા અને તેના સાગરિતો સહિત સાત શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને તમામની શોધખોળ હાથ ધરી છે.

આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ગોપાલભાઈ ગોરધન ભાઈ સોરઠીયા, અને દિવ્યેશભાઈ અકબરી કે જેઓ રણજીતનગર પટેલ સમાજ માં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની તૈયારીઓ કરવા માટે પટેલ સમાજ ના ચોકમાં ઉભા હતા. જે દરમિયાન અક્રમ યુસુફ સફિયા નામનો એક ઘોડાગાડીવાળો પૂરપાટ વેગે આવ્યો હતો, અને લોકોની જિંદગી જોખમાય તે રીતે ઘોડા ગાડી ચલાવતાં બંને કોર્પોરેટરોએ ધીમી ગતિએ ઘોડાગાડી ચલાવવા માટે વાત કરી હતી.

 દરમિયાન ઉપરોક્ત ઘોડાગાડીવાળો ઉશ્કેરાઈ ગયો હતો, અને પરત આવીને ઘોડાગાડી તો આમ જ ચાલશે, અને માણસો પણ મરી જાય. અમે મીયાભાઈ છીએ અને અમને કોઈ રોકી શકે નહીં. તમારાથી થાય તે કરી લેજો તેવી ધમકીઓ ઉચ્ચારી હતી.

 ત્યાર પછી પોતાનો મોબાઈલ ફોન કાઢીને તેના અન્ય સાગરિતો ઇમરાન રજાક મકરાણી, મુસ્તાક હનીફ સફિયા, કાસમ ઓસ્માણભાઈ બ્લોચ વગેરેને બોલાવી લીધા હતા. જેમાં કુલ સાત જેટલા શખ્સોએ છરી સાથે ધસી આવી કોર્પોરેટર ને પતાવી દેવાની ધમકી આપી ઝઘડો કર્યો હતો.

 જે દરમિયાન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતાં સાતેય શખ્સો ભાગી છૂટયા હતા. આખરે આ મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથક માં લઇ જવાયો હતો. અને કોર્પોરેટર ગોપાલભાઈ ગોરધનભાઈ સોરઠિયાની ફરિયાદના આધારે પોલીસે અક્રમ યુસુફ સફિયા સહિત સાત શખ્સો સામે આઇપીસી કલમ ૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮, તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.