• કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા ગંભીર દર્દીઓ ને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો ન હોવાનો દર્દીઓ અને તેમના સગાઓનો આક્ષેપ
  • કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સગા દ્વારા કરાયેલા હોબાળાને કારણે પોલીસ તંત્રના ધાડા ઉતર્યા
  • કોવિડ હોસ્પિટલ માં આપતા ભોજન ની ગુણવત્તા અંગે પણ ગંભીર આક્ષેપો કરાતાં તંત્ર ની ભારે દોડધામ


જામનગર તા. ૩૦,     જામનગર ની સરકારી જી.જી.કોવિડ હોસ્પિટલ માં ઓક્સિજન સપ્લાય અમુક સમયે બંધ રહેતો હોવાથી અથવા તો તેનો ખૂબ જ ધીમો ફ્લો આવતો હોવાથી દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે, જે અંગે દર્દીઓ અને તેમના સગા વ્હાલા દ્વારા કરાયેલા હૉબાળાના પગલે હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ વધી ગઇ છે. એટલું જ માત્ર નહીં હોસ્પિટલના પરિસરમાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોવિડ દર્દીઓને હોસ્પિટલમાં અપાતું ભોજન પણ ખાવા લાયક નહીં હોવા ના આક્ષેપ થઈ રહ્યા છે.

જામનગર ની સરકારી જી.જી.કોવિડ હોસ્પિટલ માં અમુક સમયે ઓક્સિજન સપ્લાય થોડો સમય માટે બંધ થઈ જાય છે. અથવા તો ઓક્સિજનનો ફ્લો ખૂબ જ ઘટી જાય છે, તેવો આક્ષેપ દર્દીઓ દ્વારા તેમજ દર્દી ના સગ઼ા વ્હાલા દ્વારા કરવામાં આવ્યો છે, જો કે ઓક્સિજનનો જથ્થો તો ઉપલબ્ધ હોય છે, પરંતુ તેનું ટેન્કમાં રીફલીંગ કરતા સમયે અથવા મેન્ટનન્સ માંટે અથવા અન્ય કોઈપણ કારણોસર થોડીવાર માટે સપ્લાય બંધ થતા દર્દીઓ માટે તે જીવલેણ સાબિત થઈ શકે છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર રીતે કોઈ સમર્થન મળતું નથી.


કોવિડ હોસ્પિટલ માં દાખલ થયેલા ગંભીર દર્દીઓ કે જેઓને અમુક સમયે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળતો નથી જેના કારણે તેઓની તબિયત વધુ લથડી જાય છે, અને કોઈ સંજોગોમાં મૃત્યુ નું કારણ પણ બની જાય છે. તેવા આક્ષેપો વચ્ચે હોસ્પિટલ તંત્ર દોડધામ કરી રહ્યું છે. આખરે આ મામલે ભારે હોબાળો થયા પછી પોલીસ તંત્રના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે.

 જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. તેમજ સીટી બી ડિવિઝન ના પી.આઈ. ની આગેવાની હેઠળ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત જી.જી. હોસ્પિટલના પરિસરમાં ગોઠવી દેવામાં આવ્યો હતો, અને વહેલી સવારથી જ પોલીસ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.

 જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો લઈને આવતા ટેન્કરો ઉપર પણ પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે, અને પોલીસ તંત્રની હાજરીમાં જ જી.જી. હોસ્પિટલ ની ઓક્ષિજન ટેન્કમાં ટેન્કર મારફતે ઓક્સિજન ગેસ નું રીફીલિંગ કરવામાં આવી રહ્યું છે.

     આ ઉપરાંત અમુક દર્દીઓ દ્વારા હોસ્પિટલ માં અપાતા ભોજનની ગુણવત્તા અંગે પણ પ્રશ્ન ઊઠાવાયો છે. આજે જ એક દર્દીએ હોસ્પિટલમાંથી ફોન કરીને ભોજનની ગુણવત્તા સારી નહીં હોવાનુ જણાવ્યું હતું. જો આ બાબતમાં તથ્ય હોય તો તંત્રએ ભોજન ની ગુણવત્તા સુધારવી જોઈએ, તેવી પણ માંગ ઉઠી છે.