• ઇજાગ્રસ્ત ની પત્ની સાથે આરોપી ધરાર સબંધ રાખવા માંગતો હોવાથી પોલીસમાં અરજી કરતાં હુમલો કરાયો

 જામનગર તા ૭, જામનગરમાં સરુ સેક્શન રોડ પર કુકડા કેન્દ્ર પાસે રહેતા એક આધેડ પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી ફેક્ચર કરી નાખ્યાની તેમજ હાથમાં ટાંકા લેવા પડે તેવી ઈજા પહોંચાડવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પોતાની પત્ની સાથે આરોપી ધરાર સબંધ રાખવા માંગતો હોવાથી તેની સામે પોલીસમાં અરજી કરતાં ખાર રાખીને આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેકશન રોડ પર કુકડા કેન્દ્ર પાસે રહેતા મહેશ ભાઈલાલભાઈ મારડિયા નામના ૫૦ વર્ષના આધેડે પોતાના ઉપર હુમલો કરી પગમાં ફ્રેકચર કરી નાખવા અંગે તેમજ હાથમાં ટાંકા લેવા પડે તેવી ઇજા પહોંચાડવા અંગે રફીક દોસ્ત મામદ સુમરા અને તેના અન્ય બે સાગરિતો સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદીની પત્ની સાથે આરોપી ધરાર સંબંધો રાખવા માંગતો હતો. જે અંગે ના પાડવા છતાં પણ સંબંધ રાખવા માંગતો હોવાથી તેની સામે પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી નો ખાર રાખીને આરોપી પોતાના સાગરિતો સાથે ધસી આવ્યો હતો, અને હુમલો કરી દીધો હતો. સીટી એ ડીવીઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.