• ચોરી કરવા માટે દુકાનનું શટર ઉંચકાવી શટર નીચે ના ઉંબરા ની લાદીઓ પણ ખોદી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો
  • તસ્કરો મોબાઈલ ફોન રોકડ રકમ અને કપડાં સહિત રૂપિયા ૭૧ હજારની માલમતા ઉઠાવી ગયા: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ


 જામનગર તા ૧, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામ માં આવેલી એક મોબાઇલ ફોન અને કપડાની સંયુક્ત દુકાન ને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી, અને દુકાનનું શટર ઉંચકાવી ઉંબરા નીચેની લાદીઓ ખોદી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને દુકાનમાંથી જુદા જુદા મોબાઈલ ફોન ઉપરાંત કપડાં અને રોકડ રકમ વગેરે સહિત રૂપિયા ૭૧,૧૦૦ ની માલમતાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોને શોધવાનું શરૂ કર્યું છે.

 ચોરીના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં સરદાર ચોકમાં રહેતા સાદાબભાઈ સતારભાઈ પોપટ પુત્રા ની મોટા વડાળા ગામમાં સંજરી ટેલિકોમ અને રેડીમેડ કપડાની સંયુક્ત દુકાન આવેલી છે. જે દુકાનને ગઇરાત્રે દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી.

 ચોરી કરવા આવેલા તસ્કરોએ ધારદાર હથિયાર વડે દુકાનનું શટર ઉચકાવી લીધું હતું, એટલું જ માત્ર નહીં, ઘરના ઉંબરાની નીચેની તમામ લાદી ખોદીને કાઢી નાખી હતી, અને દુકાનની અંદર પ્રવેશ મેળવી લીધો હતો. જ્યાંથી જુદી જુદી કંપનીના નવા જુના મોબાઇલ ફોન રેડીમેડ કપડા નાના બાળકોના શર્ટ ના બાંધા તેમજ ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા ૧,૩૦૦ની રોકડ રકમ મળી ૭૧,૧૦૦ ની મત્તા ઉઠાવી ગયા હતા.

 જે ચોરીના બનાવ અંગે વેપારીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પી.એસ.આઇ એચ.વી. પટેલ પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને દુકાનની અંદર આવેલા સીસીટીવી કેમેરા તેમજ આસપાસના અન્ય સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરને શોધવાની કવાયત હાથ ધરી છે. જેમાં દુકાનની અંદર એક તસ્કર પ્રવેશ્યો હોવા નું જાણવા મળ્યું છે, જ્યારે તેની સાથે અન્ય કોઈ હતું કે કેમ, તે જાણવા માટે આસપાસના અન્ય સીસીટીવી કેમેરા પણ ચકાસવાનું શરૂ કર્યું છે.