• ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાના કારણે મૃત્યુ થયાનું અનુમાન: પોલીસ દ્વારા તરુણ ની ઓળખ કરવા માટે કાર્યવાહી

 જામનગર તા ૭, જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૨ માં આવેલા કોમ્પ્લેક્ષના પાર્કિંગ માંથી આજે બપોરે ૧૬ વર્ષની વયના એક તરૂણનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે મૃત્યુ થયાનું અનુમાન કરાયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર -૨ માં આવેલા ગેલેરીયા કોમ્પ્લેક્ષના પાર્કિંગ માંથી આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં સોળેક વર્ષની વયના એક તરુણ નો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે ત્યાંથી પસાર થનારા અમિતભાઈ નામના વ્યક્તિએ પોલીસ કંટ્રોલને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 ઉપરોક્ત તરૂણ નો મૃતદેહ બે દિવસથી ત્યાં પડ્યો હોવાનું અનુમાન કરાયું છે. ઉપરાંત કોમ્પ્લેક્ષના પાર્કિંગ માં ઇલેક્ટ્રીકના વાયરો ખુલ્લી અવસ્થામાં પડયા હોવાથી તેને વીજ આંચકો લાગ્યો હોવાનું અનુમાન કરાયું છે. અને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવાયુ છે, સાથોસાથ મૃતકની ઓળખ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.