જામનગર તા ૭, જામનગર નજીક બેડ ગામમાં આવેલી નદીમાં નહાવા પડેલા જામનગરના ત્રણ યુવાનો પૈકી એક યુવાનનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. ફાયરની ટીમે ત્રણ કલાકની શોધખોળ પછી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી લીધો હતો, અને પોલીસને સુપરત કર્યોછે. સિક્કા પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતો સુનિલ કિશોરભાઈ આજવાણી નામનો ૩૩ વર્ષનો યુવાન આજે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના અન્ય બે મિત્રો સાથે જામનગર થી બેડ ગામે ગયો હતો, અને બેડ ની નદીમાં ત્રણેય મિત્રો નાહવા માટે પડ્યા હતા.

 જે દરમિયાન સાડા પાંચેક વાગ્યાના અરસામાં સુનિલ નામનો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો, બચાવવા માટે તેણે બૂમાબૂમ કરી હતી પરંતુ ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. જ્યારે તેના અન્ય બે મિત્રો પાણીમાંથી બહાર નીકળી ગયા હતા.

આ બનાવ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી એ ત્રણેક કલાકની જહેમત પછી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોલીસને સુપરત કરી દીધો હતો. સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે મૃતદેહને કબજો સંભાળી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે. મૃતક ના પરિવારમાં આ બનાવથી ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.