• આઇપીએલના ક્રિકેટના સટ્ટા ના સાહિત્ય સાથે ટ્યુશન ક્લાસ સંચાલક સહિત ત્રણની અટકાયત
  • જેઓ સાથે મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમનાર મુંબઇ-બરોડા અને અમદાવાદના બુકી અને અન્ય પંટરો સહિત ૧૬ ને ફરારી જાહેર કરાયા
  • દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં સટ્ટો રમનાર એક વેપારી પકડાયો: અન્ય એક બૂકીને ફરારી જાહેર કરાયો


 જામનગર તા ૩, જામનગરમાં નાગર ચકલા વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવતા એક ટ્યુશન ક્લાસ સંચાલક ના રહેણાક મકાનમાં ટ્યુશન ક્લાસ ના બદલે ક્રિકેટનો ડબ્બો ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ક્રિકેટનો ડબ્બો પકડી પાડયો છે, અને આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા ટ્યુશન ક્લાસ સંચાલક સહિત ત્રણ શખ્સોને પકડી પાડયા છે, આ ઉપરાંત તેઓ સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર અમદાવાદ-બરોડા અને મુંબઈ ના બૂકી તથા અને પન્ટરો સહિત ૧૬ શખ્સો ને ફરારી જાહેર કરાયા છે. આ ઉપરાંત દિગ્વિજય પ્લોટ વિસ્તાર માંથી પણ એક વેપારીને ક્રિકેટનો સટ્ટો રમતા પકડી પાડયો છે, જ્યારે અન્ય એક બૂકીને ફરારી જાહેર કરાયા છે.

 જામનગરના નાગર ચકલા વિસ્તારમાં રહેતા અને ટ્યુશન ક્લાસ ચલાવતા તુષાર ઉર્ફે રાજુ હરિહર પંડ્યા નામના ટ્યુશન ક્લાસ સંચાલક દ્વારા પોતાના રહેણાંક મકાનની અંદર ટ્યુશન ક્લાસ ના બદલે ક્રિકેટનો ડબ્બો ચલાવવામાં આવી રહ્યો છે, તેવી બાતમી પોલીસને મળી હતી. જેથી જામનગરની પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો.

 જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ટ્યુશન ક્લાસ સંચાલક અને અન્ય બે શખ્સો મોબાઈલ ફોન મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહેલા રંગે હાથ પકડાઈ ગયા હતા.

 જેથી પોલીસે તુષાર ઉર્ફે રાજુ પંડ્યા અને અનિલ અર્જુનભાઈ દુલાણી તથા સુરેશ ઉર્ફે એસ.એસ. રીઝુમલ કુકડીયા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ૩૬ હજાર રૂપિયાની રોકડ રકમ, ચાર નંગ મોબાઇલ ફોન તથા ક્રિકેટ ના ડબ્બા ને લગતું સાહિત્ય ટીવી સેટ, સેટ ટોપ બોક્સ, વગેરે મળી રૃપિયા ૬૧ હજારની માલમતા કબજે કરી લીધી હતી.

 પોલીસની વધુ પૂછપરછ દરમિયાન તેઓ સાથે અમદાવાદ અને મુંબઈના બુકી તથા અન્ય પન્ટરો વગેરે ૧૬ ના નામો ખુલ્યા હતા. જેથી પોલીસે તમામને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

 જેમાં મુંબઇના મુલુંડ વિસ્તારમાં રહેતા વિશાલ ભાઈ, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સુર્યાભાઈ, અને શૈલેષ ઠાકર, વડોદરા નાં કે.કે. ભટ્ટ,ઉપરાંત જામનગરના ભરત ઉર્ફે ભજી, હિરેનભાઈ ગંઢા, રાજેશ ભાનુશાલી, મહેશ (પી આર એસ) અમિતભાઈ, વિપુલભાઈ,બઠીયો અને કનુ મજીઠીયા વગેરે સહિત ૧૬ ને ફરારી જાહેર કરાયા છે. અને તમામની શોધખોળ હાથ ધરી છે.

 જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી જાહેરમાં પોતાના મોબાઇલ ફોન પર આઈપીએલ ની મેચ નો ક્રિકેટનો સટ્ટો રમનારા સંજય ઉર્ફે ચીનો ભોજુમલ જેઠવાણી નામના વેપારીને પકડી પાડયો હતો, અને મોબાઇલ ફોન તેમજ ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય વગેરે મળી રૂપિયા ૧૩,૬૧૦ની માલમતા કબજે કરી લીધી હતી. પોલીસની વધુ પૂછપરછ દરમિયાન પોતે બાબુલ નામના જામનગરના અન્ય એક બૂકી પાસે ક્રિકેટના સોદાની કપાત કરાવતો હોવાનું કબૂલ્યું હતું. જેથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.