જામનગર તા ૬, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામ ના ઉપસરપંચ પર ફાયરિંગ કરી હત્યા નીપજાવાઇ હતી, જ્યારે તેના પિતરાઇ ભાઇ પર હુમલો કરાયો હતો. જે પ્રકરણમાં ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓને શોધવા માટેની કવાયત પછી એલસીબીની ટીમે એક આરોપીને પકડી પાડયો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

 જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના ઉપસરપંચ કાંતિલાલ રામજીભાઈ માલવિયા ની રેતીની લીઝ ચલાવવા બાબતે ખંડણી માંગ્યા પછી બંદૂકના ભડાકા કરી તેની હત્યા નીપજાવી હતી, જ્યારે તેના પિતરાઈ ભાઈ નીલેશ કરસનભાઈ માલવિયા પર જીવલેણ હુમલો કરાયો હતો.

 જે પ્રકરણમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ એસ.ઓ.જી. ની ટીમ અને જોડીયા પોલીસ વગેરેએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી હત્યારા આરોપીઓને પકડવા માટેની દોડધામ કરી હતી.

 જે દરમિયાન એલસીબીની ટુકડીના હાથે એક આરોપી જામનગરમાં રહેતો હિરેન અરજણભાઈ ચાવડા ઝડપાઈ ગયો હતો. જેને ગુલાબ નગર બસ સ્ટેશન પાસેથી એલસીબીની ટુકડીએ પકડી પાડયો હતો, અને જોડીયા પોલીસ મથકમાં સુપરત કરી દીધો છે. જયારે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓને પોલીસ શોધી રહી છે.