જામનગર તા. ૭,     ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા પોતાની વિવિધ માંગણીઓને ધ્યાને લઈ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જામનગરમાં પણ તબીબોએ ગત સાંજે દેખાવો કર્યા હતા અને જરૂર પડ્યે હડતાળની પણ ચિમકી આપી હતી. 

          રાજયની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ વિવિધ માંગણીઓ મુદ્દે સરકાર સામે આંદોલનના મંડાણ કર્યા છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસો.ના નેજા હેઠળ રાજ્યભરમાં દેખાવો કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગર ની એમ.પી. શાહ મેડિકલ કોલેજ માં પ્રોફેસર ડો. દિપક રાવલ ની આગેવાની માં તમામ ટીચર્સ (તબીબો) દ્વારા ગઈકાલે સાંજે દેખાવો કરવામાં આવ્યા હતાં અને એડહોક તબીબોને વિનિયમિત કરવા, કાયમી ડોકટરોની એડહોક સેવાની સળંગ ફરજમાં ગણતરી કરવી, કેરીયર્સ એડવાન્સ સ્કિમનો લાભ આપવો, એડહોક ટયુટરને સાતમાં પગાર પંચનો લાભ આપવા સહિતની વિવિધ માંગણીના મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. અને જરૂર પડ્યે હડતાળ સુધીના પગલા લેવામાં આવશે તેમ પણ ડો.દિપક રાવલ એ જણાવ્યું હતું. હાલ ગાંધીનગરમાં આ મુદ્દે બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં ચર્ચાના અંતે સમાધાન નહી થાય તો આંદોલન વધુ તેજ બનાવાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.