જામનગર મોર્નિંગ - ભાણવડ તા.01 : ભાણવડ અને તૂટેલા રસ્તા એક બીજાના અવિભાજ્ય અંગ બની ગયા છે. ભાણવડનાં ગ્રામીણ રસ્તાઓ મોટા ભાગના રીપેરીંગ અને નવીનીકરણ ઝંખે છે. અરે મંજુર થતા રસ્તાઓ બનાવવામાં પણ તંત્ર વર્ષોનો સમય કાઢી નાંખે છે. ભાણવડમાં રસ્તાની બાબતમાં ઉજડ વનમાં એરંડો પ્રધાન જેવી હાલાત છે. તંત્ર ને કોઈ પૂછવા વાળું જ નથી એટલે તંત્ર ખોટી ઉપાદી કરતુ નથી!

ભાણવડ તાલુકાના ઐતિહાસિક ગામ ઘુમલી - મોખાણા થઈને ભેનકવડ જતો 2-3 કિમિ જેટલો રસ્તો ઘણા સમયથી બિસ્માર હતો અને ગયા વર્ષે ચોમાસામાં તો સંપૂર્ણ રોડ ધોવાઈ ગયો હતો. આ તૂટેલા રોડથી ગ્રામીણજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જામનગર મોર્નિંગએ બબ્બે વખત આ અંગેના અખબારી અહેવાલ પ્રકાશિત કર્યા હતા. ત્યારે છેક તંત્રને ઝબકારો થયો અને 100 જેટલાં ટ્રેક્ટર મોરમ પાથરીને હાલ પૂરતો રસ્તો રીપેરીંગ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નવો રોડ મંજુર થઇ ગયો છે અને તે અંગેની ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ છે પણ તે કામ હજુ ચોમાસા બાદ શરૂ થાય તેમ હોવાથી હાલ રોડ રીપેર કરવો જરૂરી બન્યો હતો.