જામનગર તા. ૯, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામના યુવાનનું પોતાના ઘેર ચક્કર આવ્યા પછી બેશુદ્ધ બની જતાં સારવાર માટે ખસેડાયા પછી તેનું અપમૃત્યુ થયું છે.

 આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામમાં રહેતા ઘનશ્યામભાઈ બેચરભાઈ ડાંગર નામના ૪૭ વર્ષ યુવાનને ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે એકાએક ચક્કર આવ્યા હતા, અને પરસેવો વળી ગયો હતો. જેથી તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના ભાઈ અરવિંદભાઈ બેચરભાઈ ડાંગરે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.