• ૪૫ થી ઉપરની વયના લોકો માટે ૧૨ અર્બન હેલ્થ સેન્ટર માં વેક્સિનેશન ચાલુ રખાયું
  • ૧૮ વર્ષથી ૪૪ વર્ષની વયના યુવા વર્ગ માટે અલગથી ૧૫ વેક્સીનેશન સેન્ટર ઉભા કરાયા
  • જામનગર શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ ને લઈને વેક્સિનેશન માટે લોકોનો ભારે ધસારો


 જામનગર તા ૬, જામનગર શહેરમાં કોરોના વેક્સિન નો ચોથા તબક્કો ખુબ જ વેંગવંતો બની ગયો છે, અને ૧૮ વર્ષથી ૪૪ વર્ષની વયના યુવા વર્ગ માટે અલગ-અલગ ૧૫ સેન્ટરો પર વેક્સિન આપવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને રજિસ્ટ્રેશન કરાવેલા યુવા વર્ગના લોકો વેક્સિન લગાવવા માટે કતાર લગાવી રહ્યા છે.

 આ ઉપરાંત ૪૫ થી ઉપરની વયના લોકો માટે પણ ૧૨ અર્બન હેલ્થ સેન્ટરોમાં પ્રક્રિયા ચાલી રહી છે. જેને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વેક્સિનેશન નો ચોથો તબક્કો શરૂ કરાયો છે. જેમાં ૧૮ વર્ષથી ૪૫ વર્ષની વયના યુવા વર્ગ માટે ૧લી મેથી વેક્સિનેશન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે જામનગર શહેરના અલગ-અલગ ૧૫ વેક્સીનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. અને ત્યાંથી તમામ લોકો નું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જે લોકોએ પોતાના મોબાઈલ ફોન મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અને સાંજે પાંચ વાગ્યાથી થી રજીસ્ટ્રેશન માટેના સ્લોટ રાજ્ય સરકાર દ્વારા ઓપન કરવામાં આવે છે. જેમાં રજિસ્ટ્રેશન કરાવનાર નાગરિકને સ્થળ પસંદગી અપાય છે. ત્યાર પછી જુદા જુદા ૧૫ જેટલા સેન્ટરો માંથી વેક્સિનેશન ની પ્રક્રિયા સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી અવિરત ચાલુ રખાય છે. જેમાં અનેક યુવા વર્ગના નાગરિકો જોડાઈ રહ્યા છે.

 આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના ૧૨ અર્બન હેલ્થ સેન્ટરો પરથી ૪૫ વર્ષથી ઉપરની વયના નાગરિકો માટે નું વેક્સિનેશન અવિરત ચાલુ રખાયું છે. જ્યાં પણ વેકસીનનો પ્રથમ અને બીજો ડોઝ મેળવવા માટે લોકો સવારે નવ વાગ્યાથી જ કતારમાં જોડાઈ રહ્યા છે. આજના દિવસ માટે તમામ સેન્ટર પર ૧૫૦ વ્યક્તિને વેક્સિન આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી વહેલા તે પહેલા ના ધોરણે લોકોએ વેક્સીનેશન કરાવી લેવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.