ટ્રક-રીક્ષા સહિત 10.91 લાખનો મુદામાલ કબ્જે: એક શખ્સ ફરાર 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં મહારાષ્ટ્રમાંથી ગેરકાયદે રીતે બાયો ડિઝલનો જથ્થો આયાત કરીને તેનું વેચાણ કરવાની પેરવી ચાલી રહી હોવાની બાતમી સીટી બી ડિવિઝન પોલીસને મળતા બે ટ્રક ચાલકો અને બે રિક્ષા ચાલકો ની અટકાયત કરી લઇ 180 લીટર બાયો ડીઝલ અને ટ્રક- રિક્ષા સહિત રૂ. 10.91 લાખનો મુદામાલ કબ્જે કરી પુરવઠા શાખા ને જાણ કરી ઝડપાયેલા ચાર શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગરની ગુલાબ નગર પોલીસ ચોકીના મહિલા પીએસઆઇ એમ.એલ. ઓડેદરા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગુલાબનગર વિસ્તારમાં એક ટ્રકમાંથી બાયો ડિઝલનો જથ્થો આયાત કરીને તેનું વેચાણ કરવા માટેની પેરવી ચલાવવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન બે ટ્રક ચાલકો તેમજ બે રિક્ષા ચાલકો બાયોડીઝલ ના જથ્થાને સગેવગે કરવાની પેરવી કરી રહેલા મળી આવ્યા હતા. જેથી પોલીસે ટ્રક ચાલકો જામનગરના અમીન અનવરભાઈ જખરા ,અને ઝાકીર હુસેનભાઈ સિપાઈ ઉપરાંત રિક્ષાચાલકો સમીર યૂસુફ નોતિયાર, અને ઇસુબ કાસમ જુણેજા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી ટ્રક- રિક્ષા અને 180 લીટર બાયો ડિઝલનો જથ્થો કિંમત રૂ. 11,700 સહિત રૂ. 10,91,700નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા ચારેય શખ્સ સામે સીટી બી ડિવઝન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 278, 285 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે. જ્યારે આ પ્રકરણમાં જામનગરના આરીફ મલેક નામના અન્ય એક શખ્સની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે, જેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત બાયોડીઝલ ના જથ્થા અંગે પુરવઠા શાખા ને જાણ કરવામાં આવી છે. ટ્રક ચાલક દ્વારા મહારાષ્ટ્રમાંથી બાયો ડિઝલનો જથ્થો આયાત કરીને તેનું જામનગરમાં વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે.