જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના ઓશવાળ-૩ વિસ્તારમાં ગયા શનિવારે એક વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરી બે શખ્સો બાઈક પર નાસી છૂટયા હતાં. તેની તપાસ કરી રહેલી એલસીબી તથા સિટી 'સી' ડિવિઝન પોલીસે ગઈકાલે ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરના સત્યમ્ કોલોની વિસ્તાર ૫ાસે ઓશવાળ-૩માંથી ગયા શનિવારે શાંતાબેન હરિભાઈ પાંભર નામના વૃદ્ધા ચાલીને પસાર થતા હતા ત્યારે અચાનક જ એક બાઈકમાં ધસી આવેલા બે શખ્સ પૈકીના એક શખ્સે આ વૃદ્ધાના ગળામાં પહેરેલા રૂ. 50 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ કરી હતી પછી બાઈક ચલાવતા શખ્સે પુરપાટ ઝડપે બાઈક ચલાવી નાસી છૂટ્યા હતા. આ બાબતની પોલીસમાં ફરિયાદ થતા તે વિસ્તારમાં રહેલા કેટલાંક સીસીટીવીના ફુટેજ પણ પોલીસે ચકાસ્યા હતાં.


તે દરમ્યાન એલસીબીના દિલીપ તલાવડીયા તથા સિટી 'સી' ડિવિઝનના યુવરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, ઉપરોકત ચીલઝડપમાં સંડોવાયેલા બે શખ્સ સમર્પણ સર્કલ પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યાં છે. પીએસઆઈ આર. એલ. ઓડેદરાના વડપણ હેઠળની વોચમાં ગોઠવાયેલી ટૂકડીએ ત્યાંથી મોટર સાયકલમાં જઈ રહેલા સરમત ગામના હિરેન ધનજીભાઈ રાઠોડ તથા હાપા નજીકની વેલનાથ સોસાયટીમાં રહેતાં લક્કી લોરેન્સ ડિસોઝા નામના બે શખ્સને રોકાવી પૂછપરછ કરતાં આ શખ્સોએ ઉપરોકત ચીલઝડપ કરી હોવાની કબૂલાત આપી છે. બન્ને શખ્સની અટકાયત કરી ગુન્હામાં વપરાયેલું બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ એસ.એસ. નિનામા, પીએસઆઈ કે.કે. ગોહિલ, આર.બી. ગોજીયા, બી.એમ. દેવમુરારી, એલસીબી સ્ટાફના મંડાણભાઈ વસરા, સંજયસિંહ વાળા, અશ્વિનભાઈ ગંધા, હરદીપભાઈ ધાધલ, દિલીપભાઈ તલાવડીયા, ફિરોજભાઈ દલ, વનરાજભાઈ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, રઘુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, ધાનાભાઈ મોરી, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, ભરતભાઈ પટેલ, હિરેનભાઈ વરણવા, હરપાલસિંહ સોઢા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, એ.બી. જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સીટી સી ડિવિઝનના પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ આર.એલ. ઓડેદરા, તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઈ ખફી, હિતેશભાઈ ચાવડા, પ્રદીપસિંહ રાણા, યુવરાજસિંહ ઝાલા, રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી, મહેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.