નગરની સ્થાપના સમયે રોપાયેલી ખાંભીનું પૂજન કરવામા આવ્યું:પૂર્વ રાજવીઓની પ્રતિમાને ફૂલહાર કરવામા આવ્યા

જામનગર મોર્નિંગ - જામનગર 


જામરાવળે સ્થાપેલા જામનગર શહેરનો આજે 482મો સ્થાપના દિવસ છે. જામનગર મનપા પદાધિકારીઓ અને રાજપૂત સમાજ દ્વારા શહેરની સ્થાપના સમયે જામરાજવી દ્વારા સ્થાપવામા આવેલી ખાંભીનું પૂજન કરી શહેરીજનોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

કચ્છથી પોતાના લશ્કર સાથે આવેલા જામરાવળે જામનગરના દરબારગઢ નજીક શહેરની સ્થાપનાનો પાયો નાખ્યો હતો. સ્થાપના સમયે રોપવામા આવેલી ખાંભી આજે પણ દરબારગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોર્સમાં જોવા મળે છે. જ્યાં આજે જામનગર મનપાના પદાધિકારીઓ અને રાજપૂત સમાજના લોકો દ્વારા ખાંભીનું પૂજન કરવામા આવ્યું હતું. આ ઉપરાંત લાખોટા તળાવ પર આવેલી જામ રણજીતસિંહ, જામ દિગ્વિજયસિંહજી અને જામ રાવળજીની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા.


જામનગર શહેરમાં આજે પણ લાખોટા તળાવ, રણજીતસાગર ડેમ, ભૂજીયો કોઠો, ખંભાળિયા ગેટ, સર્કિટ હાઉસ જેવી ઈમારતો અને રાજેન્દ્ર રોડ, રણજીત રોડ જેવા રસ્તાઓ છે કે જેનું નિર્માણ જામરાજવીઓના સમયમાં થયું હતું. તેના વર્ષો બાદ પણ શહેરીજનો આજે લાભ લઈ રહ્યા છે અને રાજવીઓને યાદ કરી રહ્યા છે.

ક્રિકેટ ક્ષેત્રે જામનગરના ક્રિકેટરનું મહત્વનું યોગદાનભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ માટે જે રણજી ટ્રોફી રમાય છે તે જામનગરના જામ રણજીતસિંહજીના નામ પરથી જ રમાય છે. જામનગરના પૂર્વ રાજવી એવા જામ રણજીતસિંહની વિશ્વભરમાં એક સારા ક્રિકેટર તરીકેની ઓળખ હતી. આ ઉપરાંત વિનુ માંકડ, સલીમ દુરાની, રવીન્દ્ર જાડેજાએ પણ ક્રિકેટ ક્ષેત્રે નામના મેળવી જામનગર શહેરને ગૌરવ અપાવ્યું છે.