જામનગર મોર્નિંગ - દ્વારકા  


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિ-રવિની રજામાં જુગારની મહેફીલો જામતા તેર દરોડામાં 52 શખ્સને ઝડપી લઇ છ શખ્સ ફરાર થઈ જતા શોધખોળ હાથ ધરી ઝડપાયેલા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા શ્રાવણ માસમાં રમાતા જુગાર ઉપર કડક હાથે કામગીરી કરવા માટે કરવામાં આવેલા ભૂકંપ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મીઠાપુરના તાબેના રાંગાસર ગામ ખાતેથી જૂગાર દરોડામાં આશાભા તેજાભા માણેક, બસીર જુસબ મંધરા અને પ્રભુદાસ વાલજીભાઈ જાખરીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 21,400 રોકડા, રૂ. 40 હજારની કિંમતના બે મોટરસાયકલ તથા રૂપિયા 6 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 67,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન લાલુભા સાજાભા માણેક સહિત બે શખ્સો નાશી છૂટ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. 

જયારે એલસીબી પોલીસે ભાણવડ તાબેના રાણપર ગામની સીમમાં પડયો હતો. અહીં નદીના કાંઠે વાડી વિસ્તારમાં રહેણાંક મકાન ધરાવતા ધીરુ છગન જોશી નામના શખ્સ દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી ચલાવતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી હતી. આ સ્થળેથી પોલીસે ધીરુ છગનભાઈ સાથે પ્રવીણ ઉર્ફે દેવો મગનભાઈ સોનગરા, નાથા મુરુભાઈ કોડીયાતર અને ટપુ રામાભાઇ મોરી નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 45 હજાર રોકડા, રૂપિયા આઠ હજારની કિંમતના 5 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 53 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન ગડુ ગામનો પરબત મેર અને નાથા ઉર્ફે સોનુ સગર નામના બે શખ્સો નાશી છૂટ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

ત્રીજા દરોડામાં ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાંથી મુકેશ રામા રાજગર, રમેશ નાથા લાકડીયા અને સંજય સોમા સોલંકી નામના ત્રણ શખ્સોને જુગાર રમતા પોલીસે રૂપિયા 2,810 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામથી મહાદેવીયા તરફ જતાં રસ્તે રાત્રિના સમયે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમી રહેલા પબા સુવા ભાટુ, અરજણ નાથા સુવા, વીરા ગોગન ચાવડા, ચેતન ગોવા બરાઈ, અરજણ દેવશી બરાઈ, બિલામસિંહ ગુલાબ અજનાર અને નારાયણ ઠાકોર બામણીયા નામના 7 શખ્સોને રૂપિયા 15,400 રોકડા તથા રૂ. 50 હજારની કિંમતના ત્રણ નંગ મોટરસાયકલ તેમજ રૂ. 14,500 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન તથા એક ટોર્ચ લાઈટ સહિત કુલ રૂપિયા 80,050 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ઉપરાંત ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના ચુડેશ્વર ગામેથી પોલીસે ગોવા ખીમા ચાવડા, ધના ખીમા આંબલીયા, જીવા પોલા ચાવડા, રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ અને દિવ્યરાજસિંહ રણજીતસિંહ જાડેજા નામના પાંચ શખ્સોને એક નંગ મોબાઈલ ફોન તથા રોકડ મળી કુલ 18,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે એક મંદિર પાસેથી સ્થાનિક પોલીસે રાત્રીના સવા વાગ્યે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા હરેશ કારા પિંગલસુર, સુરેશ આલા માતંગ, દિનેશ તેજશી જોડ અને હમીર મેઘા પારિયા નામના ચાર શખ્સોને રૂ. 2,360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દ્વારકાના ગોમતીઘાટ પાસેથી સ્થાનિક પોલીસે નાગસીભા બુુધાભા સુમાણીયા નામના શખ્સને વરલી મટકા આંકડા વડે જુગાર રમતા ઝડપી લઈ, રૂપિયા 1,260 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે દ્વારકામાંથી દિનેશ મોહન ઈન્દરીયા અને સૂરજ મોહન ઈન્દરીયા નામના બે શખ્સોને ચલણી નોટના નંબર ઉપર એકી બેકીનો જુગાર રમતા પોલીસે ઝડપી લઇ રૂપિયા 3,330 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી કિશોર રામજી વાઘેલા, ભરત ચના સાગઠીયા અને સંજય ગોવિંદ માંડવીયાને પોલીસે જુગાર રમતા રૂ. 2,070 તેના મુદ્દામાલ સાથે જ્યારે તાલુકાના ટીંબડી ગામેથી રાહુલ ખીમજી સાદીયા, જયેશ મનસુખ સાદિયા, સંજય લખુ સાદીયા અને ઢુલા કીસા મોરી નામના ચાર શખ્સોને રૂપિયા 940 ના મુદ્દામાલ સાથે અને સેવક દેવળિયા ગામના ઈકબાલ ઊર્ફે મુસો વલીમામદ ઘુઘા નામના 35 વર્ષના યુવાનને વરલી મટકાના જુગાર રમતા સ્થાનિક પોલીસે દબોચી લીધો હતો.

તેમજ  મીઠાપુર તાબેના ભીમરાણા ગામે એક ડેરી પાસેના ઓટલા પર બેસીને પાના ટીંચતાં લખુ કચરા લઘા, સુરજ ઉર્ફે લાલો પ્રકાશ સરપદડીયા, દેવુ હીરા દંડેચા અને વનરાજભા કનૈયાભાને પોલીસે રૂપિયા 1,810 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામેથી સંદીપ ધીરુભાઈ ઘઘડા, આનંદ હરેશભાઈ રાવલ, કેવલ જેન્તીભાઈ દાવડા, ઉપેન્દ્ર રસિકભાઈ સચદેવ, રાહુલ હરીશભાઇ મંડોરા, ગગાભા હીરાભા માણેક અને સંજય રવીન મૈકી નામના સાત શખ્સોને ઝડપી લઈ રૂપિયા 10,200 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે રાવલ ગામે એક મંદિર પાસેથી પોલીસે જુગાર રમતા વજશી હમીર સિંગરખીયા, હરીશ માવજી ઝાલા, હસમુખ રામજી ઝાલા, અને જેરામ નારણ સિંગરખીયા નામના ચાર શખ્સોને રૂપિયા 1910 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન લખુ ઘેલુ મકવાણા અને ધીરુ મંગા સિંગરખીયા નામના બે શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે જુદા જુદા સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.