રાસના ગળેટૂંપાથી વૃધ્ધનું કરૂણ મૃત્યુકાલાવડ તાલુકાના શિશાંગ ગામનો બનાવ: ગોલાણિયા ગામ નજીક વીજળી સ્પાર્ક થતા યુવાનનુ મોત

જામનગર મોર્નિંગ - જામનગર  ( ભરત ભોગાયતા)

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શિશાંગ ગામની સીમમાં સાતી ચલાવતા સમયે બળદ ભડકતા દોરડાની રાસ પગમાં અને ગળામાં વીંટળાઇ જતા ગળે ટૂંપો આવી જવાથી વૃધ્ધનું મોત નીપજ્યું હતું. કાલાવડ તાલુકાના ગોલાણિયા ગામ પાસે પવનચક્કીમાં કામ કરતા સમયે વીજળી સ્પાર્ક થતા યુવાનનુ મોત નિપજ્યું હતું.

આ અંગેની કાલાવડ તાલુકાના શિશાંગ ગામની સીમમાં ખેતીકામ કરતા ધીરૂભા લાખુભા જાડેજા (ઉ.વ.65) નામના ખેડૂત વૃધ્ધ તેના ખેતરમાં સાતી ચલાવતા હતા તે દરમ્યાન અચાનક બળદ ભડકવાથી દોરડાની રાસ પગમાં તેમજ ગળામાં વીંટળાઇ જતા અકસ્માતે ગળે ટૂંપો આવી જતા બેશુધ્ધ થઇ જવાથી વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે નરેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હે.કો. આર.વી.ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ જામનગર તાલુકાના નાની માટલી ગામમાં રહેતો હરજીભાઇ નાનજીભાઇ લામકા (ઉ.વ.28) નામનો યુવાન ગત તા. 20ના રોજ રાત્રિના સમયે કાલાવડ તાલુકાના ગોલાણિયા ગામની સીમમાં પવનચક્કીના સ્થળે કામ કરતો હતો તે દરમ્યાન વીજળી સ્પાર્ક થવાથી બેશુધ્ધ થઇ જતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું શનિવારે સાંજના સમયે મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હે.કો. બી.એન.ચોટલિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.