દુબઇથી પરત ફરેલાં વિનય પંચોલી (સરકાર)ને અમદાવાદ તેડવા ગયેલા જામનગરના ચાર ખાસ મિત્રોને ગઇકાલે નડયો હતો અકસ્માત: સંગીતપ્રેમી મિત્રોની એકસાથે વિદાય બાદ ગઇકાલે સાંજે સાથે જ અંતિમયાત્રા નિકળી: મૃતકના શોખ અને ઇચ્છા અનુસાર અંતિમયાત્રામાં ડીજેનું સંગીત વગાડાયું

જામનગર મોર્નિંગ - જામનગર 


સાયલા પાસે ગઇકાલે થયેલા કાર અકસ્માતમાં બે ખાસ મિત્રોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં. ગઇકાલે બંને યુવા મિત્રોના મૃતદેહ જામનગર આવી પહોંચ્યા બાદ ડી.જે.ના સંગીત સાથે તેમની અંતિમયાત્રા નિકળી હતી.

આ કરૂણાંતિકાની પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા વિનય ધીરજલાલ પંચોલી કે જે વિનય સરકારના હુલામણા નામે ઓળખાતા હતા તે છેલ્લા ચારેક માસથી ધંધાકીય કામ સબબ દુબઇ ગયેલ હતાં. અને 3 દિવસ પહેલા પરત ફર્યા હતાં. વિનય પંચોલીએ અમદાવાદ પહોંચ્યા બાદ તેના જામનગર સ્થિત મિત્રોને ફોન કરી કાર લઇ તેડવા આવવા કહ્યું હતું.

આથી જામનગરમાં ઓઝાના ડેલા પાસે રહેતા કેતન મહેન્દ્રભાઇ ઓઝા ઉપરાંત કૃણાલ, રવિ વિનયને તેડવા જીજે10-ડીઇ-0123 નંબરની આઇ-20 કાર લઇને જામનગરથી અમદાવાદ ગયા હતાં. આ ઉપરાંત રાકેશ નામનો મિત્ર અમદાવાદ સીધો પહોંચ્યો હતો. આ પછી ગઇકાલે વહેલી સવારે અમદાવાદથી જામનગર તરફ આ પાંચેય મિત્રો ઉપરોકત કારમાં સવાર થઇ આવી રહ્યા હતાં.

આ દરમિયાન સાયલા નજીક સામતપર ગામના પાટિયા પાસે કારચાલક વિનય પંચોલી (વિનય સરકાર)એ કોઇ કારણસર ડ્રાઇવીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઇ પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં કાર ચાલક વિનય તેમજ તેની બાજુની સીટમાં બેઠેલ તેના મિત્ર કેતન મહેન્દ્રભાઇ ઓઝાને ગંભીર ઇજા થતાં તેઓનું ક્ષણભર બાદ જ મૃત્યુ થયું હતું.

જ્યારે કારમાં પાછળની સીટમાં સવાર અન્ય મિત્ર કૃણાલ રાજેન્દ્ર કનખરા, રવિ વિનુભાઇ વજાણી અને રાકેશ પ્રવિણભાઇ ખેતિયાને નાની-મોટી ઇજા પહોંચી હતી પરંતુ ભયમુકત છે. જો કે આ ત્રણેય મિત્રોને પ્રાથમિક સારવાર માટે સાયલાના દવાખાને લઇ જવાયા હતાં. સાયલા પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. પી.એમ. બાદ બંને યુવકોના મૃતદેહને જામનગર લાવવામાં આવ્યા હતાં.

બંને મૃતકો ખાસ મિત્રો હતા અને તેથી તેઓની અંતિમયાત્રા ગઇ મોડી સાંજે એક જ સમયે કાઢવામાં આવી હતી. ખાસ કરીને મૃતકની અગાઉની ઇચ્છા મુજબ તેમની અંતિમવિધિમાં ડી.જે. પણ વગાડવામાં આવ્યું હતું. આ બંને મિત્રો હંમેશા ખુશ રહેવામાં માનતા હતાં અને સંગીતપ્રેમી હોવાનું જાણવા મળે છે.