• પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથથી સૌના વિકાસના


  • સાંસદ શ્રી પૂનમબેન માડમની અધ્યક્ષતામાં શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી કરાઈ


  • શહેરની આંતરમાળખાકીય સુવિધાના કામો તથા શહેરી સડક યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને રૂ.૩૨.૨૦ કરોડની ફાળવણી કરાઈ


  • સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજના તથા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.૧૪.૫ કરોડના ખર્ચે ૨૩૦ કામોનુ લોકાર્પણ તથા રૂ.૧૧.૨૦ કરોડના ખર્ચે ૧૦ કામોનુ ખાતમુહુર્ત કરાયું


જામનગર તા.૦૮ ઓગસ્ટ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અંગે સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષની વિકાસયાત્રાને આવરી લેતી અને સરકારના મહત્વના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સમક્ષ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયેલ છે.


જે કાર્યક્રમના આઠમા દિવસે સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ, જામનગર ખાતે જામનગર મહાનગરપાલિકા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના સયુંક્ત ઉપક્ર્મે શહેરી જન સુખાકારી દિવસ ઉજવવામાં આવ્યો હતો. 


આ પ્રસંગે શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, જ્ઞાતિ, જાતી કે વોટબેંકની રાજનીતિથી પર રહી રાજ્ય સરકાર માત્ર વિકાસને કેન્દ્રમાં રાખી આગળ વધી રહી છે. કોરોનાના કપરા કાળમાં પણ વિકાસની ગતી સરકારે અટકવા દિધી નથી જન-જનને જોડી સતત નવ દિવસ સુધી વિકાસ અભિયાન હાથ ધરી સરકારે દરેક જિલ્લાને એક પાયરી ઉપર ચડાવ્યા છે. માત્ર નામથી જ નહી પરંતુ પાયાની તમામ સુવિધાઓ ઉભી કરી શહેરોને ખરા અર્થમાં મહાનગરો બનાવ્યા છે. આપણા રાજ્યની અનેક યોજનાઓ આજે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની છે. આ સરકાર વોટબેંકની રાજનીતિને નહી પરંતુ વિકાસની રાજનીતિને માનનારી છે અને તેથી જ પ્રજાએ પણ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને વરેલી સરકારને સ્વિકારી છે જ્યારે ભાગલા પાડો અને રાજ કરો માં માનનારી સરકારને જાકારો આપ્યો છે.

 

કાર્યક્રમમાં વર્ચુઅલ માધ્યમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા જોડાયા હતા અને ગુજરાતની વિકાસ યાત્રાને લોકો સમક્ષ મુકી હતી.

  

કાર્યક્રમમાં શહેરી જન સુખાકારી દિન નિમિત્તે સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓને સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૨૧-૨૨ માટે આંતરમાળખાકીય સુવિધાના કામો તથા શહેરી સડક યોજના અંતર્ગત મંજુર થયેલ રૂ.૭૫.૩૮ કરોડ પૈકી રૂ.૩૨.૨૦ કરોડના ચેકની અર્પણ વિધી કરાઈ હતી. તેમજ જામનગર મહાનગરપાલિકાના સ્વર્ણીમ જયંતી શહેરી વિકાસ યોજનાના તથા નાણાપંચની ગ્રાન્ટ આધારીત રૂ.૧૪.૫ કરોડના ખર્ચે ૨૩૦ કામોની લોકાર્પણ તકતીનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ રૂ.૧૧.૨૦ કરોડના ખર્ચે ૧૦ કામોનુ ખાતમુહુર્ત તકતીનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.

 

કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી તથા સ્ટેન્ડીગ કમિટીના ચેરમેનશ્રી મનિષભાઈ કટારીયા દ્વારા પ્રાસંગીક ઉદ્દબોધન કરાયુ હતુ. ડે.કમીશનર શ્રી વસ્તાણીએ ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દીક સ્વાગત વડે આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભાર વિધિ આસી.કમિશનરશ્રી ભાર્ગવ ડાંગર દ્વારા કરાઈ હતી.

 

આ પ્રસંગે ડે.મેયર શ્રી તપન પરમાર, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા શ્રીમતી કુસુમબેન પંડયા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી સર્વે શ્રી મેરામણભાઈ ભાટ્ટુ, પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, અગ્રણી શ્રી જીતુભાઈ લાલ, મહાનગરપાલિકા કમિશનરશ્રી વિજય ખરાડી, આસી.કમીશનર શ્રી જીગ્નેશભાઇ નિર્મળ, સી.ટી. એન્જિનીયર શ્રી એસ.એસ.જોષી, શ્રી પી.સી.બોખાણી, શ્રી મુકેશભાઈ વરણવા, શ્રી ભાવેશભાઈ જાની તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.