જામનગર મોર્નિંગ – ભાણવડ : પોરના ગેટ થી વેરાડના ગેટની મધ્યમાં સમાયેલ ભાણવડ વીતેલા ૮-૧૦ વર્ષમાં ખુબ વિકસ્યું છે. બંને ગેટના સીમાડા વટાવીને આજુબાજુના ગામડાઓની સરહદ સુધી પાંખો ફેલાવી છે. ત્યારે ભાણવડ શહેરની સીમ વિસ્તારની જમીનોની કિમતમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. લાખોની વીઘો મળતી જમીન હવે કરોડને આંબવા પહોચી છે ત્યારે આવી જમીનના હક્કો તથા ટાઇટલ સાથે છેડા થતા હોવાની તથા જુના વિલ વિગેરે જેવા જુના અધકચરા દસ્તાવેજી પુરાવા આધારે એન્ટ્રીઓ કરાવીને અનેક જાતની ગેરરીતિઓ થતી હોવાની વ્યાપક ચર્ચાએ ભાણવડમાં જોર પકડ્યું છે.

લોકમુખે ચર્ચાતી વાતો મુજબ ભાણવડના પ્રાઈમ વિસ્તારમાં તાજેતરમાં કરોડોની કિમતનો જમીનનો સોદો થયો છે અને આ જમીનમાં હક્કપત્રકમાં એન્ટ્રીઓ પાડવામાં ગેરરીતિઓ તેમજ મોટો વહીવટ થયો હોવાની ચોકાવનારી વિગતો સાંપડી રહી છે. વધુમાં આ જમીનના અમુક હિસ્સેદારએ પોતાના હક્ક પ્રત્યે વાંધો ઉઠાવતા તેમને પણ સમજાવી દેવાયા હોવાની વાતો વહેતી થઇ છે.