જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર નજીકની રિલાયન્સ કંપની સામે આંદોલન કરનાર સખ્સની પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો છે. લાલપુર તાલુકાના આપ સંગઠનના હેદ્દેદારે રિલાયન્સ સામે આંદોલન કરવાની કલેકટરની મંજુરી આપતો પત્ર બનાવી ખરા તરીકે ઉપયોગ કરતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.

લાલપુર તાલુકાના મોડપર ગામના રહેવાસી કિરણ ફફલ નામના શખસની જામનગર પોલીસ દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટના બનાવટી લેટરપેડ પર આંદોલનની મંજૂરીનો પત્ર બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરવા બદલ ધરપકડ કરાયા બાદ 3 દિવસના રિમાન્ડ પર લેવાયો હતો. જામનગર નજીકની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામે આંદોલન કરવા માટે આ શખસે કરેલી અરજીના જવાબમાં આંદોલન માટે જિલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી લેવાની હોતી નથી એવો જવાબ આપવામાં આવ્યો હતો.

આ શખસે જિલ્લા મેજીસ્ટ્રેટનું બનાવટી લેટરપેડ બનાવી રાઉન્ડ સીલ સાથે આંદોલનની મંજૂરી અપાઈ હોય તેવો પત્ર તૈયાર કરી વાયરલ કર્યો હતો. પરિણામે કલેક્ટરે નાયબ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં લાલપુર તાલુકાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી કિરણ ફફલ દ્વારા આ કાવતરું ઘડાયું હોવાની શંકાથી તેની ધરપકડ કરાઈ હતી. પોલીસની પૂછપરછમાં કિરણે પોતે જ આ બનાવટી પત્ર બનાવીને વાયરલ કર્યો હોવાની કબુલાત કરી છે.