જામનગર મોર્નિંગ - જામનગર   

જામનગરમાં રવિવારે બપોરે કિશાન ચોક વિસ્તારમાં બે સુમરા જૂથ વચ્ચે શસ્ત્ર અથડામણ થતાં સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા બન્ને પક્ષે અમુક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ધરપકડ કરાયેલા એક જૂથના આરોપીએ પોલીસને ચકમો આપી નાસી છૂટયો હતો. આ પ્રકરણમાં બેદરકારી દાખવનાર સિટી એ ડિવિઝન પોલીસના પીએસઓની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.


મળતી વિગત મુજબ સુમરા ચાલીમાં રવિવારે બપોરે નજીવી બાબતે થયેલા ધીંગાણામાં હત્યાનો પ્રયાસ અને રાયોટીંગનો ગુનો નોંધાયા બાદ પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. પોલીસે બન્ને જૂથના 5થી 6 શખ્સોની ધરપકડ કરી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ શરૂ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપી પૈકીના એક આરોપી એવા તોસીમ આમદે બાથરૂમ જાવાની માંગણી કરતા પોલીસે તેને એકલાને બાથરૂમ જઇ પરત આવવાનું કહ્યું હતું. જો કે આરોપી પરત આવવાને બદલે પોલીસને ચકમો આપી એ-ડિવિઝનના પગથિયા ઉતરી નાસી ગયો હતો.જેની જાણ થતાં જ સિટી એ ડિવિઝન પોલીસ દફતરના પીઆઇ સહિતનો સ્ટાફ આરોપીને શોધવામાં લાગ્યો હતો.

આરોપી નાસી જતાં શહેરભરમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આરોપીની શોધ માટે ત્રણેય ડિવિઝન ઉપરાંત એલસીબી અને એસઓજીનો સ્ટાફ પણ મેદાનમાં ઉતરી હતી જે બાદ આરોપીને શહેરમાંથી જ પકડી પાડવામાં આવ્યો હતો.હત્યા પ્રકરણનો આરોપી ભાગી જતાં પોલીસ કર્મચારીઓનો શ્વાસ અધ્ધર ચડી ગયો હતો. જોકે, મોડેથી પકડાઈ જતાં પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.બીજી તરફ આરોપી નાસી જતાં પીએસઓ રસીકભાઇ શીંગાળા સામે પોલીસે ફરજમાં બેદરકારી સબબ ફરિયાદ નોંધી હતી. જેને લઇને આજે પીએસઓ શિંગાળાની ધરપકડ કરી લેવામાં આવી છે.