રાજકોટના શખ્સે ઉંચા વ્યાજની લાલચ આપી રૂ. 11 કરોડ ઓળવી રફુચક્કર  

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરના આસામીઓને મોટી લાલચ આપી રાજકોટની એક પેઢીએ કરોડો રૂપિયા ઉઘરાવી લઈ પેઢીને તાળા મારી દેતા ભોગગ્રસ્ત લોકોએ સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગરના આસામી મયુર શાંતિલાલ સંઘવીએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રાજકોટના પ્રદીપ ખોડાભાઈ ડાવેરા નામના શખ્સે અન્ય શખ્સો સાથે મળી વર્ષ 2020માં સમય ટ્રેડીંગ નામે પેઢી ખોલી હતી. આ પેઢીમાં રોકાણ સામે આકર્ષક વ્યાજ અને અન્ય લાભો અંગેની લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. રાજકોટની પેઢીની આકર્ષક સ્કીમને લઈને જામનગરના મયુરભાઈ તેના પરિચિતો તેમજ સબંધીઓએ રૂપિયા 10,48,00,000 નું રોકાણ કર્યું હતું જયારે અન્ય આસામીઓએ પણ 50 લાખનું રોકાણ કરતા જામનગરના આસામીઓની 11 કરોડની મૂડી એ પેઢીએ પોતાના હસ્તક લીધી હતી.

પ્રદીપે રોકાણકારોને કહ્યું હતું કે પોતાનું માર્કેટિંગ નેટવર્ક ખુબ વિશાળ છે. એક લાખ રૂપિયા રોકવાથી તગડું વ્યાજ આપવાનો વાયદો કરવામ આવ્યો હતો. એક લાખની મૂડી સામે પાંચ હજારનું વ્યાજ આપવાનો ભરોષો આપવામાં આવ્યો હતો. આ બાબતને સ્ટેમ્પ પેપર પર લખી આપી આરોપીઓએ જામનગરના આસામીઓ પાસેથી કરોડોનું રોકાણ કરાવ્યું હતું. થોડો સમય વ્યાજની રકમ સારી રીતે ચૂકતે કર્યા બાદ પેઢીએ ઠાગાઠૈયા કર્યા હતા. અંતે પેઢીને તાળા મારી દેવામાં આવતા રોકાણ કારો ક્યાયના ન રહ્યા હતા. આ બનાવ અંગે જામનગરના મયુરભાઈએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીટી બી ડીવીઝન પોલીસે આઈપીસી કલમ 120(બી), 406, 420, 114 તથા ધ પ્રાઈઝ ચીટ્સ એન્ડ મની સર્કયુલેશન એક્ટ 1978ની કલમ 3,4,5 તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટ એક્ટની કલમ 3,4 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.