સસ્પેન્ડ કરાયા બાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ: 16 ગામોના 110 ખાતાઓ સાથ એકરવામાં આવી ઉચાપત  

જામનગર મોર્નિંગ - દ્વારકા 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે સબ પોસ્ટ કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારી દ્વારા વર્ષ 2019 થી 2020 સુધીના તેમના ફરજકાળ દરમિયાન પોસ્ટ ઓફિસની જુદી-જુદી 16 બ્રાંન્ચમાં રોકડ રકમના ખોટા ટ્રાન્જેક્શન કરી રૂ. 1.56 કરોડની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે સબ પોસ્ટ કચેરીમાં ફરજ બજાવતા તારક હેમંતભાઈ જાદવ નામના કર્મચારી સામે જામનગરની પોસ્ટલ ડિવિઝનમાં સહાયક અધિક્ષક તરીકેની ફરજ બજાવતા પિનાકીન પ્રવિણચંદ્ર શાહએ ધોરણસર ફરિયાદ નોંધાવી છે, જેમાં જાણવા મળતી વિગત મુજબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા તારક હેમંતભાઈ જાદવે તેમના ફરજકાળ દરમિયાન 10-06-2019 થી 19-12-2020 સુધીના સમયગાળામાં આ વિસ્તારની જુદી જુદી 16 બ્રાંન્ચ પોસ્ટ ઓફિસમાં સમયાંતરે 110 વખત ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી શખ્સ દ્વારા દ્વારકા પોસ્ટ કચેરીના રેકોર્ડમાં ખોટા આર્થિક વ્યવહારો ઉભા કરી અને તેની નોંધ કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં બતાવીને આ અંગેના ખોટા હિસાબો પાડી કચેરીના હિસાબમાં ગેરરીતિ આચરવામાં આવી હતી, આમ, જુદા-જુદા ટ્રાન્જેક્શન મારફતે તારક જાદવ દ્વારા કુલ રૂ. 1,55,75,000 રોકડ રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું જાહેર થયું છે. ભારતીય ટપાલ વિભાગના જુદા-જુદા ખાતાઓમાં 1,44,36,477ની રોકડ ટ્રાન્સફર કરવામાં આવી હતી. સમગ્ર કૌભાંડ ખુલવા પામતા પોસ્ટ વિભાગની જામનગર કચેરી દ્વારા વિસ્તૃત રીતે જાણકારી મેળવી, ભાટીયા ખાતે ફરજ બજાવતા કર્મચારી તારક જાદવને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેની સામે સૂચના મુજબ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઇપીસી કલમ 409 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.