જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.૧૭ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારે હેડ કલાર્કની ૧૮૬ બેઠક માટે પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા શરુ થાય એની કલાકો પહેલા જ પ્રશ્નપત્ર સોસીયલ મેડિયામાં વાઈરલ થયું હતું. જે અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા ગૌણ સેવા પસંદગી મંડળને તે જ સમયે એટલે કે પેપર શરુ થાય તે પહેલા જ વોટ્સપના માધ્યમથી આપ્યા હતા.

સોસીયલ મીડિયામાં પેપર વાઈરલ થયું તેના પુરાવા આપ્યા હોવા છતાં સરકાર તપાસ કરીશુના બણગા ફૂકતી હતી. પેપર લીક થયાના આજે છઠા દિવસે ગુજરાત ભરના યુવાનો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આજે સરકારે કબુલ્યું છે કે " હા પેપર લીક થયું હતું ." હવે તપાસ પૂર્ણ થયા બાદ ગૌણ સેવા પસંદગી મંડળ નક્કી કરશે કે પરીક્ષા રદ કરવી કે કેમ ? તેમજ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આશિત વોરાને પણ દુર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરાઈ રહી છે.

પેપર લીક કરવાના કેશમાં પોલીસે ૧૦ લોકો વિરુદ્ધ સરકાર તરફથી ૪૦૬,૪૦૯,૧૨૦ જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધી છે જેમાંના આરોપી મહેશ પટેલ, ચિંતન પટેલ, કુલદીપ પટેલ, ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ અને સુરેશ પટેલ આમ ૬ લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે.