જામનગર મોર્નિંગ - મીઠાપુર તા.25 : દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ગામે ટાટા કેમિકલ લિમિટેડના ગેટ સામે મુખ્ય રોડના પાર્કિંગમાં પડેલ ખાનગી બસમાં અગમ્ય કારણોસર આગ લાગતા સળગીને ખાખ થઇ ગઈ હતી.

બનાવની પ્રાપ્ત વિગત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં મીઠાપુર ગામે હાઈવે રોડ પાસે આવેલ ટ્રક પાર્કિંગ એરિયા માં પાર્કિંગ કરેલી ખાલી યાત્રિક બસ માં આકસ્મિક રીતે આગ લાગી હતી. ક્ષણવારમાં આગ આખી બસ માં ફેલાઈ જતા બસ અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. યાત્રિક બસમાં ગેસના બાટલા હોવાથી પ્રચંડ ધડાકા સાથે બે બાટલા ફાટતા આસપાસના લોકો આગને જોવા માટે ઉમટી પડ્યા હતા. આગને બુઝાવવા માટે ટાટા કેમિકલ્સના ફાયર વિભાગનાં બે ફાયર વાહન ઉપરાંત ઓખા નગરપાલિકાના ફાયર વાહનથી આગ કાબુમાં આવી હતી. બસ પાર્ક કરેલી હતી તેની પાસેની લાકડાની કેબીનો માં પણ આગ પ્રસરી હતી અને પીજીવીસીએલ વાયરો પણ સળગી ગયા હતા. આગ લાગવાથી સુરજકરાડીમાં લાઈટ ગુલ થઇ ગઇ હતી. આગ લાગેલી યાત્રિક બસ અહિં રિપેરીંગ માટે આવેલ હતી. આગના બનાવમાં કોઇ જાનહાનિ થયેલ નથી.  તસ્વીર - બુધાભા ભાટી - મીઠાપુર