• 10 પૈકીના 2 વિધાર્થીઓ હજુ વિદેશની ધરતી પર પણ યુક્રેનથી બહાર નીકળી ગયા એક વિધાર્થી હંગ્રી અને બીજો પોલેન્ડ


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.04 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી 10 જેટલાં વિદ્યાર્થીઓ યુક્રેન એમ. બી. બી. એસ. નો અભ્યાસ કરવા માટે ગયા હતા જેમાં હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જેવો તણાવ ભરેલા માહોલમાં યુક્રેનમાં અભ્યાસ અને વ્યવસાય અર્થે આવેલા વિદેશીઓ પોતાના સ્વદેશમાં પરત ફરી રહ્યા છે. યુક્રેનમાં આશરે 30 હજાર જેટલાં ભારતીય વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે યુદ્ધના પગલે માદરે વતન પરત ફરવા માટે મથામણ કરી રહ્યા છે જો કે મોટા ભાગના ભારતીય વિધાર્થીઓ હાલ " ઓપરેશન ગંગા " અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સલામત રીતે યુક્રેનથી ભારત પરત લવાઈ રહ્યા છે.


દેવભૂમિ દ્વારકા જીલ્લાના કુલ 10 વિધાર્થીઓ યુક્રેનના મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા જેમાંથી 8 વિધાર્થીઓ ભારત પરત આવી ગયા છે જયારે 2 વિધાર્થીઓ હજુ અધવચ્ચે અટવાયેલા છે જેમા ખંભાળીયાનો વિધાર્થી યુક્રેનથી નીકળી અને હંગ્રીમાં છે જે આજ રાતની ફ્લાઇટથી ભારત આવી પહોંચે તેમ જીલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું હતું જયારે બીજો વિધાર્થી જે કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામનો છે તે પણ યુક્રેનથી બહાર નીકળી અને પોલેન્ડમાં છે જે પણ આગામી દિવસોમાં ભારત આવી પહોંચશે. આ દસ વિધાર્થીઓના પરિવાર સાથે જીલ્લા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી, જીલ્લા શિક્ષણ અધિકારી અધિક કલેકટર અને કલેકટર દ્વારા રૂબરૂ મુલાકાત લઈને જે વિધાર્થીઓ આવી ગયા છે તેમના ખબર અંતર પૂછાયા હતા અને બાકીના વાલીઓને સ્થળ સ્થિતિ સાથે આશ્વાસન આપીને તંત્ર દ્વારા થઇ રહેલ કામગીરીથી માહિતગાર કરાયા હતા.