• આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આજની પેઢીએ જમીનની ફળદ્રુપતા ટકાવવી ખૂબ જ જરૂરી - સદગુરુ
  • પ્રતાપ વિલાસ પેલેસ ખાતે સદગુરુનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું: વિશાળ બાઇક રેલી તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ કરાયું આયોજન

જામનગર તા.29, Save soil ( માટી બચાવો) અભિયાનના પ્રણેતા શ્રી સદગુરૂ જગગી વસુદેવજી આજે પોતાનો 27 દેશો અને 30 હજાર કી.મી. નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા.જ્યાં શહેરના નગરજનો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈકરેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે દ્વિતીય વિશ્વ યુધ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જે ધરા પર આવી આજે હું મને ભાગ્યશાળી માનું છું.


તેમણે આ પ્રસંગે save soil એટલે કે ભૂમિ બચાવો અભિયાન વિશે જણાવતા કહ્યું કે તેઓનો સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના ૪ અબજ લોકો સુધી પહોંચી આ અભિયાનમાં જોડવાનો છે.હવે સમય છે કે આપણે આવનારી નવી પેઢીના ઝળહળતા ભવિષ્ય માટે એકત્રિત બની આ દિશામાં આજથી જ કામ કરીએ.


આજે દુનિયામાં ૨૭,૦૦૦ જેટલી પ્રજાતિઓ પર જોખમ ઉભું થયું છે અને તેઓ ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે. અને આપણે તેમના માટે કશું કરતા નથી. દુનિયામાં જૈવ વૈવિધ્ય અને વાતાવરણમાં ગંભીર નુકસાન થયું છે. જો અત્યારે આપણે જાગૃત નહી બનીએ કે સંગઠિત નહી બનીએ તો આપણી ભવિષ્યની પેઢી માટે કશું જ બચશે નહી. દુનિયામાં આજે ૪૦% ફળોનું ઉત્પાદન ઘટયું છે સાથે સાથે જમીન પોતાની ફળદ્રુપતા દિવસે ને દિવસે ગુમાવી રહી છે. આવનારા સમયમાં પૃથ્વી પર વસ્તી હજુ પણ વધતી જ રહેવાની છે.ત્યારે આજથી જ જાગૃત બની આપણે સૌ જમીનની જાળવણી નહીં કરીએ તો આવનારી પેઢીએ એના ગંભીર પરિણામો ભોગવવાના રહેશે.


સુશ્રી એકતાબા સોઢા સાથે વિચાર ગોષ્ઠિ દરમિયાન સદગુરુએ જણાવ્યું કે જમીનને બચાવવી ખૂબ જ અગત્યની છે.જમીન હશે તો જ આપણે બચીશું. સતત રાસાયણિક ખાતરના ઉપયોગથી આપણી કિંમતી જમીન બગડી રહી છે. આજે ૭ થી વધુ દેશોએ સેવ સોઈલ એટલે કે જમીન બચાવો અભિયાન માટે સહી કરી છે. દુનિયામાં વૃક્ષો, છોડ અને પ્રાણીઓથી આપણું જીવન ટકી શકશે. લોકો અત્યારે વધુ ને વધુ ખાતર નાંખીને જમીનમાંથી ઉપજ મેળવે છે. જો ઓછું ખાતર નાખીશું તો પણ ઉપજ નહિ મળે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. પરંતુ બહુ સામાન્ય સમજણની વાત છે. આજે ગંગાના મેદાનોમાં ૯૨% વૃક્ષો સાફ કરી નાખ્યા છે. પ્રાણીઓ કતલખાનામાં જાય છે. પ્રાણીઓ વિના આપણું જીવન જ શક્ય નથી. તેથી આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે ગાય સહિતના પ્રાણીઓને પણ બચાવવી એટલા જ જરૂરી છે.


આ પ્રસંગે પ્રતાપવિલાસ પેલેસને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સદગુરુના આગમનને વધાવવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા શ્રી વિક્રમભાઈ માડમ, રાજકોટ સ્ટેટના યુવરાજ શ્રી માંધાતાસિંહજી જાડેજા, વાંકાનેર સ્ટેટના શ્રી કેશરીદેવસિંહજી, જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલા સામાજિક આગેવાનો તથા શહેરના પ્રબુદ્ધ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.