જામનગર મોર્નિંગ - જામનગર તા.18 : જામનગર તાલુકાના મોટી બાણુંગારના એક યુવાને બે દિવસ પહેલા ગળાફાંસો ખાધા પછી આ યુવાનનું મૃત્યુ નિપજયું છે. મૃતકની લખેલી મનાતી સ્યુસાઈડ નોટ મળી છે. આજે મૃતકના પરિવારે એક તબકકે મૃતદેહ સંભાળવાનો ઈન્કાર કરતા અફડાતફડી મચી હતી ત્યારબાદ પોલીસે ગામના જ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં રહેતા સાવન નરેશભાઈ કારીયા નામના યુવાને બે દિવસ પહેલા ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજયું છે. આ યુવાનની લખાયેલી મનાતી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેણે પોતાની માતાને ઉદ્દેશીને લખ્યુ છે કે, મારી જીવવાની ઈચ્છા નથી. મને બે ઝાપટ મારવામાં આવી છે. આ યુવાનના મૃત્યુ પછી જવાબદાર સામે પગલા ભરવાની માંગણી કરી તેના પરિવારે એક તબકકે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.


આ યુવાનને કોઈ સાથે ઝઘડો થયા પછી તેને માર મારવામાં આવતા બાવીસ વર્ષના આ યુવાને આત્મઘાતી પગલુ ભર્યુ હોય જવાબદાર સામે ગુન્હો નોંધવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.

આખરે પોલીસે પરિવારજનોની વાત સાંભળી ગામના જ પ્રભુલાલ જુઠાભાઈ ભેંસદડીયા સામે સામાન્ય અકસ્માત બાબતે યુવાનને જાહેરમાં માર મારી ગાળો કાઢી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લીધો હોય ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.