સહકારી મંડળીમાં પિતા - પુત્ર પૂર્વ મંત્રી અને પૂર્વ સહમંત્રી હતા: કૌભાંડ પ્રકાશમાં આવતા ફરિયાદ નોંધાય

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લાના ધુતારપુર ગામમાં શ્રી ધુતારપુર સેવા સહકારી મંડળીમાં અઢી વર્ષમાં પિતા - પુત્ર પગારદાર તરીકે ફરજ બજાવતા હોય અને પૂર્વ મંત્રી અને પૂર્વ સહમંત્રી હોય જેથી ચેકો પર ખોટી સહી કરી અંગત ફાયદા માટે મંડળીની 1.13 કરોડની રકમ ચાઉ કરી જતાં પંચ એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

મળતી વિગત મુજબ જામનગરમાં આવેલ ધુતારપુર ગામમાં શ્રી ધુતારપુર સેવા સહકારી મંડળીમાં પિતા રાજેશ અમૃતલાલ ચાંઉ અને પુત્ર જયેશ રાજેશ ચાંઉ પૂર્વ મંત્રી અને પૂર્વ સહમંત્રી હોય અને મંડળીમાં પગારદાર તરીકે ફરજ બજાવતા હોય બંને એ પોતાના અંગત ફાયદા માટે મંડળીની સિલકના વહેવારોમાં તેમજ મંડળીના બેંક ખાતાના ચેકોમાં ખોટી સહીઓ કરી ચેક વટાવી નાણાં ઉપાડી લઈ તેમજ મંડળીના રાસાયણિક ખાતરના માલ સ્ટોકમાંથી માલ વેંચી જેના રૂપિયા મંડળીમાં જમા નહીં કરાવી કુલ રૂ. 1,13,81,954ની નાણાંની પોતાના અંગત ઉપયોગ માટે ઉચાપત કરતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

આ કૌભાંડ પ્રકાશમાં આવતા ધુતારપુર ગામના અશ્વિનભાઈ ગોરધનભાઈ ગલાણીએ પંચકોશી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 406, 420, 409, 465, 467, 468, 471 અને 114 મુજબ પિતા - પુત્ર સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી સબબ ગુનો નોંધી પીએસઆઈ જે.પી. સોઢાએ વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે વધુ રકમની ઉચાપત કરી છે કે શું તે તપાસ દરમ્યાન જાણવા મળશે.