જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરની વિભાપર ખાતે આવેલ શિશુમંદિરના 603 ભૂલકાઓથી લઈ ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ વાર્ષિક ઉત્સવ કલરવમાં દિલધડક કરતબ અને પરફોર્મન્સ રજૂ કરી લોકોને આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા.

બાળક જન્મ લે છે અને જેમ જેમ ઉંમરમાં આગળ વધે છે તેમ તેમ તેને મળેલ શિક્ષણ અને કેળવણી દ્વારા તેમનામાં છુપાયેલ શક્તિ પણ બહાર આવે છે અને તે બાળરૂપી છોડને શિક્ષણ, સંસ્કૃતિ દવારા સીંચવાનું કાર્ય શાળા અને તેના ગુરુ પૂરું પાડે છે. આનું જીવંત ઉદાહરણ જામનગરના વિભાપરમાં આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંડળ દ્વારા સંચાલિત શિશુમંદિરના વાર્ષિક ઉત્સવ કલરવમાં આ સ્કૂલના બાળકો દ્વારા આપવામાં આવેલ ધારદાર, દિલધડક કરતબ, ડાન્સ, નાટકના સુંદર પર્ફોર્મન્સ દ્વારા જોવા મળ્યું હતું જેમાં શિશુવાટિકાના નાના ભૂલકાઓથી લઈ ધોરણ 10 સુધીના 603 જેટલા છાત્રોએ સ્ટેજ પર વિવિધ સામાજિક સંદેશ આપતા, શૌર્યની ગાથા રજૂ કરતા, દેશ માટે સાહસિક બનવા અને કાર્યરત રહેવા માટેના કાર્યક્રમ આપી ઉપસ્થિત શ્રોતાઓને અચંબિત કર્યા હતા. ભારતની દીકરીઓ માટે સંદેશ આપતો પિતા પુત્રીનું ભવ્ય પેર્ફોર્મન્સ તો સમાજમાં ફેલાયેલ વ્યસનના દુષણ સામે જાગૃતિ બનવા માટે યમરાજનું દોષિતને સજા આપવાનું નાટય હોય કે રાણી લક્ષ્મીબાઈની શોર્ય ગાથા રજુ કરતું નાટક અને નાના ભૂલકાઓનું વિવિધ રંગીન વેશભૂષામાં સજ્જ બની વિવિધ ગીતો પર ડાન્સ પરફોર્મન્સ તો ક્યાંક રંગલો રંગલીના હાસ્યરસ પીરસ્તો સંદેશ અને છેલ્લે બાળકોના શોર્ય અને સાહસિક કરતબોએ ઉપસ્થિત વાલીઓના આંખમાં આંસુ તો ક્યાંક તેમના હિંમતની દાદ આપતા તાળીઓના વરસાદ સાથે વધાવ્યા હતા. તો શાળામાં વર્ષ દરમ્યાન વિવિધ રમત ગમતમાં કે અન્ય કાર્યક્રમોમાં પ્રથમ આવનાર છાત્રોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મંચસ્થ મુખ્ય અધ્યક્ષ તરીકે સંઘના વરિષ્ઠ કાર્યકર્તા અને સેવા ભારતી ગુજરાત ના ટ્રસ્ટી,સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઇ ગૌરીશંકર દવે ઉપસ્થિત રહ્યા હતા તેમજ જામનગર ના મેયર બીનાબહેન કોઠારી તેમજ વિભાપરના સરપંચ શ્રીમતિ ગીતાબહેન ચોવટીયા, વિદ્યા ભારતી દ્વારકા વિભાગના મંત્રી  નીલેશભાઈ વરસાણી જામનગર સંકુલ પ્રમુખ ગિરીશભાઈ બુદ્ધદેવ વિદ્યાલય ના ટ્રસ્ટ ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર, વિદ્યાલયના નિયામક જયશ્રીબા જાડેજા તેમજ અન્ય ટ્રસ્ટીશ્રીઓ, વ્યવસ્થાપકો, આચાર્યો, વાલીઓ, વિશાળ સંખ્યા માં ગ્રામજનો તેમજ જામનગર ના નાગરિકો ઉપસ્થિત રહયાં હતા. આ કાર્યક્રમમાં શિશુવાટિકા થી કક્ષા 10 સુધી ના ૬૦૩ વિધાર્થીઓએ ભાગ લીધો. જેમાં ૨૫ જેટલી કૃતિ રહી હતી. કાર્યક્રમ ના અંતે ઉપસ્થિત પત્રકારો સંજીવ રાજપૂત, રાજેશભાઇ હિન્દુજા અને યુવરાજસિંહ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમ રાષ્ટ્રભાવના થી ઓતપ્રોત તેમજ સંસ્કૃતિ ને ઉજાગર કરતો રહ્યો હતો.