2022 એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના કારણે અનેક યુવાનો ડ્રગ્સના રવાડે ચડતા બચ્યા

જામનગર મોર્નિંગ - ગુજરાત 


ગુજરાત રાજ્યમાં આ વખતે હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. જોકે, આ ડ્રગ્સ યુવાનોના હાથમાં પહોંચે તે પહેલા જ ગુજરાત એટીએસ અને ભારતીય તટરક્ષક દળે સફળ ઓપરેશન કરીને ડ્રગ્સને કબજે કરી લીધું હતું. ત્યારે આવો જોઈએ સમગ્ર વર્ષ દરમિયાન કઈ રીતે ને ક્યાંથી કેટલું ડ્રગ્સ ઝડપાયું.

અમદાવાદ રાજ્યમાં ડ્રગ્સનો મોટી માત્રામાં જથ્થો ઝડપાઈ રહ્યો છે. ક્યારેક પોર્ટ પર તો ક્યારેક શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં. આવી જ રીતે ગુજરાત એટીએસ અને ભારતીય તટરક્ષક દળને મોટી સફળતા મળી છે.

ઓખામાંથી ઝડપાયું ડ્રગ્સ હાલમાં જ સૌરાષ્ટ્રના ઓખા નજીકના દરિયાકાંઠામાં પાકિસ્તાની બોટ અલ સોહેલીની ગતિવિધિ અંગે ઈનપુટ મળી હતી. ત્યારે કોસ્ટલ ગાર્ડ અને એટીએસની ટીમે રવિવારે મોડી રાત્રે આ માટે તપાસ શરૂ કરી હતી. કોસ્ટગાર્ડના અરિંજય જહાજમાં અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કરી પાકિસ્તાની બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં ફરતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે બોટને રોકવા સૂચના આપવા છતાં ખલાસીઓએ બોટને રોકી નહતી. ત્યારબાદ કોસ્ટગાર્ડે બોટને ઝડપી પાડી હતી.

બોટની તપાસ કરતા થયો ઘટસ્ફોટ આ બોટની તપાસ કરતા તેમાં 10 પાકિસ્તાની માછીમારો હતા. તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન 6 ગેસ સિલિન્ડરની તપાસ કરતા 3 સિલિન્ડરમાંથી 300 કરોડ રૂપિયાની કિંમતનું 40 કિલો હિરોઈન, ઈટાલિયન બનાવટની 6 પિસ્ટલ અને એક સિલિન્ડરમાં છૂપાયેલા 120 કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ તમામ એજન્સીઓને સતર્ક કરીને ભારતીય દરિયાઈ સીમમાં પેટ્રોલિંગ વધારવા માટે સૂચના જાહેર કરવામાં આવી હતી. આમ, ગુજરાતની દરિયાઈ સીમામાં વર્ષો પછી ફરી ફિશિંગ બોટમાં હથિયારોની હેરાફેરીએ અધિકારીઓને એલર્ટ મોડ પર લાવી દીધા હતા. જોકે, છેલ્લા 18 મહિનામાં 1,930 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે.

આ વર્ષે આટલું ડ્રગ્સ ઝડપાયું આ વર્ષની વાત કરીએ તો, આ વર્ષે (2022)માં માદક પદાર્થો અંગે કુલ 6 કેસ નોંધાયા છે. ત્યારે એટીએસએ 2.552.47 કરોડ રૂપિયાની કિંમતનું 471.29 કિલો હેરોઈન અને 1,732.9 કરોડ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન કબજે કર્યું હતું. જ્યારે આ વર્ષે કુલ 63 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 38 પાકિસ્તાની અને 4 અફઘાની છે.

2019-20માં આટલું ડ્રગ્સ ઝડપાયું તો વર્ષ 2019માં કુલ એક જ કેસ નોંધાયો હતો. તે વખતે એટીએસએ 500 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો જથ્થો કબજે કર્યો હતો. ત્યારે 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 9 ઈરાની અને 1 અફઘાની હતો. બીજી તરફ વર્ષ 2020માં પણ માદક પદાર્થો મામલે એક કેસ નોંધાયો હતો. તે દરમિયાન 175 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો 35 કિલો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. ને તે વખતે 5 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી.

2021માં આટલું ડ્રગ્સ ઝડપાયું તો વર્ષ 2021માં માદક પદાર્થોના કુલ 4 કેસ નોંધાયા હતા. તે દરમિયાન 1,461.18 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો 292.23 કરોડ રૂપિયાનો માદક પદાર્થ ઝડપાયો હતો. ત્યારે 36 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 7 ઈરાની, 6 પાકિસ્તાની અને 1 આરોપી નાઈજિરીયનનો હતો.

એપ્રિલમાં મુન્દ્રામાં ઝડપાયું હતું ડ્રગ્સ ગુજરાત એટીએસની બાતમીના આધારે અત્યાર સુધી આવેલા માદક પદાર્થો અંગે કરવામાં આવેલા કેસની વાત કરીએ તો, મુન્દ્રામાં 24 એપ્રિલ 2022ના દિવસે 1,028 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમતનો 205.6 કિલો માદક પદાર્થનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આને પકડવા માટે ગુજરાત એટીએસની  બાતમીના આધારે તથા ડીઆરઆઈએ સંયુક્ત ઓપરેશન કર્યું હતું.

પીપાવાવમાંથી ઝડપાયું ડ્રગ્સ આ ઉપરાંત 29 એપ્રિલ 2022ના દિવસે પીપાવાવ પોર્ટ પરથી 450 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો 90 કિલો જથ્થાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાત એટીએસની ટીમની બાતમીના આધારે ડીઆરઆઈએ સંયુક્ત ઓપરેશન કર્યું હતું.

ઓખા નજીક દરિયામાંથી બોટમાં ડ્રગ્સ અને હથિયારો સાથે ઝડપાયેલ પાકિસ્તાની શખ્સો ઈસ્માઈલ સફરાલ, અમાલ બ્લોચ, હકીમ દિલમોહાદ, આદમ અલી, ગૌહર બોક્ષ, અબ્દુલ ગની જાગીયા, અમાનુલ્લા, ગુલમોહમદ, કાદિર બક્ષ અને અલીબક્ષ નામના હતા. તેમજ દ્વારકા એસઓજીમાં ફરજ બજાવી ચૂકેલા તથા હાલ દ્વારકા એટીએસના પીઆઈ જે.એમ. પટેલની બાતમીથી મોટી સફળતા મળી હતી અને ગુજરાતમાં ડ્રગ્સ ઉતરતા બચ્યું હતું. આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયા કાંઠે ઉતારવાનો પ્લાન હતો સાથે 6 ઇટાલિયન પિસ્તોલ, 12 મેગઝીન અને 120 કારતુસ મળી આવ્યા હતા. તેમજ પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો પાકિસ્તાનના હાજી સલીમ બ્લોચનો મોકલ્યો હોવાનું ખુલ્યું હતું.

એટીએસના અધિકારી દીપેન ભદ્રન, ઓમપ્રકાશ જાટ, સુનીલ જોશી, કે.કે. પટેલ, કોસ્ટગાર્ડના પંકજ અગ્રવાલ, અનિલકુમાર હરતોલાના માર્ગદર્શનમાં તપાસ ચાલુ છે.