ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સમીયાણી ટાપુ પાસે પેટ્રોલીંગમાં હોય ત્યારે ઝડપાયો 

જામનગર મોર્નિંગ - દ્વારકા 


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 227 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે, ભૂતકાળમાં બનેલ આતંકવાદી બનાવોને અને ગુજરાત એટીએસ દ્વારા 2021માં નાવદ્રા ખાતેથી ઝડપાયેલ ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ ધ્યાને લઈ બોટ ચોરીના બનાવ બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે જિલ્લાના તમામ અધિકારીઓ પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી.

દરિયાકિનારે મોટી સંખ્યામાં માછીમારો હોય છે, ત્યારે એક આસામીની ફિશીંગ બોટ રાત્રીના સમયે ચોરી થઈ હતી, અન્ય એક આસામીનું બોટનુ મશીન તથા એક આસામીનું 30 લીટર પેટ્રોલ ચોરાય ગયું હોય તેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદર વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સબીરભાઈ અબુભાઈ પટેલીયા નામના 40 વર્ષના મુસ્લિમ યુવાને આજથી દોઢ વર્ષ પહેલા બરકત નામની ફિશીંગ બોટ લીધી હતી, જેનો કોઈ કોલ કે રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. આ બોટ દ્વારા માછીમારી કરવામાં આવતી હતી, આ દરમ્યાન શનિવારે રાત્રીના દસેક વાગ્યે માછીમારી કરી દરિયાકાંઠે બોટ લાંગરી ઘરે પહોંચ્યા બાદ સોમવારે માછીમારી કરવા નિકળ્યા ત્યારે તેમની બોટ ગુમ જણાઈ હતી, આસપાસના વિસ્તારમાં તપાસ કરતા આ બોટનો કોઈ પતો લાગ્યો ન હતો, જે અંગે તપાસ કરતા અન્ય અયુબ પટેલીયાની બોટની અંદરથી બોટ ચલાવવાનું 8 હોર્સ પાવરનું મશીન પણ ગાયબ હતું અને ગફારભાઈ જુસબભાઈ ઈસબાણીની ચાંદ કે પાર નામની બોટમાંથી 30 લીટર પણ ગાયબ હતું. 

બાદમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં બંદર પર ચોરીનો બનાવ બનતા દ્વારકા જિલ્લા પોલીસ વડાએ ગુનાની ગંભીરતા ધ્યાને રાખી એલસીબી, એસઓજી તથા સ્થાનીક પોલીસની ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, ત્યારે ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.એન. વાંઝા ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે સમીયાણી ટાપુ નજીક ચોરી થયેલ બોટ સાથે અભ્ધાલ ઉર્ફે અભઝલ રજાક સંઘાર (રહે. ધરારનગર, જામનગર) નામના શખ્સને બોટ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચનાથી એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, એસઓજી પીઆઈ પી.સી. સીંગરખીયા સાથે દ્વારકા જિલ્લાના તમામ અધિકારીએ કરી હતી.