નુરી ચોકડી પાસેથી 30 લાખના પીપી દાણા ભરેલા ટ્રકની ચોરીમાં સંડોવાયેલ પાંચ શખ્સ ઝડપાયા 

મુદામાલ ગોંડલ તાલુકાના હડમતાળા ગામેથી ઝડપાયો: રૂ. 32.88 લાખનો મુદામાલ કબ્જે: બે શખ્સની શોધખોળ 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં આઠ દસ દિવસ પહેલાં નુરી ચોકડી પાસેથી પીપી દાણા ભરેલો ટ્રક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સીટી એ ડિવિઝનમાં નોંધાયા બાદ એલસીબી પોલીસે બાતમીના આધારે ગોંડલ તાલુકાના હડમતળા ગામેથી પી.પી. દાણા અને જામકંડોરણાથી ટ્રક કુલ મળી કિમંત રૂ. 32.88 લાખના મુદામાલ સાથે પાંચ શખ્સને ઝડપી લઈ બે શખ્સની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગરમાં નુરી ચોકડી પાસે આવેલ ભારત પેટ્રોલપંપ પાસેથી ગત તા. 10ના ગૌતમભાઈ જેન્તીભાઈ સીંધવના નામે રજીસ્ટર જીજે 10 ટીવી 5160 નંબરનો ટ્રક કિમંત રૂ. 10,00,000 અને તેમાં ભરેલા પી.પી. દાણા 22.880 ટન જેની કિંમત રૂ. 20 લાખ કોઈ શખ્સ ચોરી કરી લઈ જતા વિનુભાઈ નરસંગભાઈ જાટીયાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં સ્થાનિક પોલીસે, એલસીબીએ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.

ત્યારે એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી અને રાકેશભાઈ ચૌહાણને બાતમી મળી હતી કે પી. પી. દાણા ગોંડલ તાલુકાના હડમતળા ગામે રહેતા અલ્તાફ હુશેન પતાણીના વંડામાં ઉતાર્યો હોય તે કબ્જે કરી લઈ એલસીબીના અશોકભાઈ સોલંકી, ઘનશ્યામભાઈ ડેરવાળીયા અને કિશોરભાઈ પરમારને બાતમી મળી હતી કે પી.પી. દાણા ભરેલો ટ્રક દાણાનો જથ્થો ખાલી કરી જામકંડોરણા પાસે ગૌશાળા પાસે રાખેલ હોય તે પણ કબ્જે કરી 22430 કિલો પી.પી. દાણા કિમંત રૂ. 19,73,840, જીજે 10 ટીવી 5160 કિંમત રૂ. 10,00,000, ચોરીમાં ઉપયોગ કરેલી જીજે 10 ડીજે 4471 નંબરની ઈકો કાર કિમંત રૂ. 3,00,000 અને ત્રણ નંગ મોબાઈલ ફોન કિમંત રૂ. 15,000 કુલ મળી રૂ. 32,88,840નો મુદામાલ કબ્જે કરી અલ્તાફ હુશેન પતાણી (રહે. હડમતળા), અકીલ અલ્તાફ નકાણી (રહે. નિકાવા તા. કાલાવડ), અસરફ અજીત સુમરા (રહે. નિકાવા તા. કાલાવડ), સાજીદ હનીફ સમા (રહે. નુરી ચોકડી) અને ધીરૂ રત્ના ભાટી (રહે. ગુલાબનગર) નામના પાંચ શખ્સોને ઝડપી લઈ જામનગર એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો, તથા સોહીલ હારૂન સુમરા (રહે. પાટીયાળી તા. ગોંડલ) અને રહીશ રહીમ બેલીમ (રહે. ગરીબ નવાજ સોસાયટી, જામનગર) નામના બે શખ્સની સંડોવણી ખુલતા શોધખોળ હાથ ધરી છે.

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ જાડેજા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બિજલભાઈ બાલાસરાએ કરી હતી.