જામનગર મોર્નિંગ - જામનગર 


ભારતમાં દર વર્ષે નવમી જાન્યુઆરીનાં દિવસે “પ્રવાસી ભારતીય દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે વર્ષ 1915માં ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા. આ જ દિવસને ભારતની સ્વાતંત્ર્ય લડતમાં મહાત્મા ગાંધીનાં આગમનનાં દિવસ તરીકે ગણવામાં આવે છે. તેથી આ દિવસને “પ્રવાસી ભારતીય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રવાસી ભારતીયો અને ભારતીય મૂળનાં લોકોનાં યોગદાનને બિરદાવવા માટે ખાસ ઉજવવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસ (PBD) એ વિદેશ મંત્રાલય દ્વારા યોજવામાં આવતી મુખ્ય યોજનાઓ પૈકી એક છે જે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો સાથે જોડાવા અને સંકળાયેલા રહેવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. આ મંચ પ્રવાસી ભારતીયોના ભારત પ્રત્યેનાં વિચાર, ભાવનાની અભિવ્યક્તિ, દેશવાસિઓ સાથે સકારાત્મક વાતચીત માટે ઉપલબ્ધ કરાઈ છે. તેનો મુખ્ય ઉદેશ્ય વિશ્વનાં તમામ દેશોમાં પ્રવાસી ભારતીયોનું નેટવર્ક બનાવવું, યુવા પેઢીને પ્રવાસીઓથી જોડવી, વિદેશમાં રહેનાર ભારતીય શ્રમજીવિયોની મુશ્કેલીઓ જાણવી અને તેને દૂર કરવી અને ભારત પ્રત્યે પ્રવાસીયોને આકર્ષિત કરવા અને રોકાણ કરવાની તકો વધારવાનો છે. આ રીતે દેશનો સંબંધ અન્ય દેશો સાથે મજબુત બને છે અને અંતે દેશના વિકાસમાં મદદ મળે છે. જે લોકો વિદેશમાં રહીને કોઈ ન કોઈ ક્ષેત્રમાં કાર્યરત છે તે પોતાનું જ્ઞાન રાષ્ટ્ર સાથે વહેંચીને દેશના લોકોનાં અંગત વિકાસમાં મદદરૂપ થાય છે અને આ રીતે દેશનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. વિદેશમાં રહીને વિભિન્ન ક્ષેત્રોમાં કાર્ય કરતા લોકો દેશની પુંજી છે. એક રીતે તે દેશનો ગર્વ છે માટે તેમના હિત માટે, તેમના યોગદાનને બિરદાવવું જ રહ્યું.