જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓને એક સગીરને માર મારવાના પ્રકરણમાં જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરી દેતાં શહેરના પોલીસબેડામાં ચકચાર જાગી છે.
મળતી વિગત મુજબ શુક્રવારે એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા બાદ શહેર તથા જિલ્લાના પોલીસ બેડામાં આ વાત વાયુવેગે ફેલાઇ જતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર જાગી છે.
આ બંને પોલીસકર્મીઓએ અનુસુચિત જાતિના એક સગીરને કોઇ કેસના અનુસંધાને માર માર્યાની ખબર જિલ્લા પોલીસવડા સુધી પહોંચી હતી, કેમ કે આ સગીરના પરિવાર દ્વારા આ મામલાને ગંભીર ગણી પોલીસવડા સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસવડાએ આ સમગ્ર મામલાને સંવેદનશીલ મુદ્દો ગણીને સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓ હિતેષ ચાવડા અને વનરાજ ખવડને સસ્પેન્ડ કર્યા હતા. અત્રે નોંધનીય છે કે, કાયદાની જોગવાઇઓ મુજબ સગીર આરોપીઓના નામ પણ જાહેર નથી કરી શકાતા, અને તેઓની ઓળખ પણ કાયદા મુજબ છુપાવવાની હોય છે, આ પ્રકારની પરિસ્થિતિમાં પોલીસ સ્ટેશન જેવા સ્થળે સગીરને માર મારવો એ આખી ઘટના ખૂબજ ગંભીર લેખાય અને આ ગંભીરતાને ધ્યાનમાં લઇ એસ.પી. દ્વારા આ ઘટનાના અનુસંધાને સસ્પેન્શનના આ હુકમ છોડવામાં આવ્યા છે.
0 Comments
Post a Comment